યુએસ ફેડની બેઠક પર બજારની નજર રહેશે

ગઈ કાલે દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ ૧૮૬.૧૪ પોઈન્ટના ઘટાડે ૨૮,૫૯૯.૦૩ની સપાટીએ બંધ જોવાયો હતો. એ જ પ્રમાણે એનએસઇ નિફ્ટી ૩૭.૩૦ પોઈન્ટના ઘટાડે ૮,૮૦૦ની નીચે ૮,૭૭૯.૮૫ની સપાટીએ બંધ જોવાઇ હતી. સપ્તાહના અંતે સેન્સેક્સ અને શેરબજાર ઘટાડે બંધ જોવાયું હતું. નિફ્ટીમાં સાપ્તાહિક ૦.૯૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે મહત્ત્વની ગ્લોબલ ઇવેન્ટ છે તે પૂર્વે બજારમાં સાવચેતીભરી ચાલ જોવા મળી હતી. જોકે બજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી છે એટલું જ નહીં વિદેશી રોકાણકારોનો રોકાણ પ્રવાહ પણ જળવાઇ રહેલો જોવા મળ્યો છે.

બજારના જાણકારોના કહેવા પ્રમાણે યુરોપીય શેરબજારમાં જોવા મળી રહેલા સેન્ટિમેન્ટ હાલ સકારાત્મક નથી. એટલું જ નહીં આગામી સપ્તાહમાં તા. ૨૦ અને ૨૧ એમ બે દિવસીય ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે. અગાઉ ફેડે વ્યાજદર વધારાના સંકેતો આપ્યા હતા, જેના પગલે બજારમાં ક્યાંક અનિશ્ચિતતાભર્યો માહોલ પ્રવર્તી રહેલો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં બેન્ક ઓફ જાપાનની પણ આગામી સપ્તાહે મિટિંગ છે. વૈશ્વિક સહિત સ્થાનિક બજારની નજર તેના પર મંડાયેલી રહેશે. એટલું જ નહીં પણ સ્થાનિક મોરચે આગામી  તા. ૨૨ અને ૨૩મી સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે. ઉદ્યોગજગતની નજર તેના પર ટકેલી રહેશે.
ટેક્િનકલ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે વોલેટાલિટી ઘટી શકે છે, જોકે બજાર સીમિત રેન્જમાં ટ્રેડિંગમાં જોવાઇ શકે છે. નિફ્ટી ૮,૭૪૦-૮,૭૦૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવી શકાય તો બીજી બાજુ ૮,૮૦૦ની સપાટી ક્રોસ કરે તો ૮,૮૮૦ અવરોધ લેવલ ગણાવી શકાય.

You might also like