કોઇ પણ ભોગે અમેરિકા પાક.ને એફ-૧૬ વિમાનો આપવા કટિબદ્ધ

વોશિંગ્ટન : પાકિસ્તાન ઉપર અમેરિકાની મહેરબાનીને લઈને ભારતે આકરો પ્રતિભાવ આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાનને ૮ એફ-૧૬ વિમાનો આપવાનો નિર્ણય લેતા ભારતે નારાજી વ્યકત કરી છે. આ વેચાણ સોદો રદ્દ કરવા અમેરિકાના સાંસદોની માંગણી છતા ઓબામા તંત્રએ આ વિમાન વેચવા અંગે પોતાના નિર્ણયમાં અમેરિકી કોંગ્રેસને જણાવી દીધુ છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, પાકિસ્તાનને એફ-૧૬ વિમાનોના વેચાણ પર અમે અમારી નાખુશી વ્યકત કરવા માટે ભારત અમેરિકી રાજદૂતને બોલાવ્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાનને એફ-૧૬ વિમાનો વેચવાના અમેરિકાના નિર્ણયથી ભારત નિરાશ છે અને એ તર્ક સાથે સહમત નથી કે, આ પ્રકારના હથિયારોના હસ્તાંતરણથી ત્રાસવાદને નિપટવામાં મદદ મળશે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષોના પ્રભાવશાળી સાંસદોના વધતા વિરોધ છતાં અમેરિકી વિદેશ મંત્રાલયે કોંગ્રેસને અધિસૂચિત કર્યું છે કે તે પાકિસ્તાન સરકારને એફ-૧૬ બ્લોક પર વિમાન, ઉપકરણ, પ્રશિક્ષણ અને સામાન સાથે જોડાયેલા સહયોગવાળી વિદેશી સૈન્ય વેચાણ કરવાને મંજૂરી આપી રહ્યં છે.

ભારત અન્ય વૈશ્વિક મંચ ઉપર પણ અમેરિકાના બેવડા વલણ સામે વાંધો ઉઠાવે તેવી શક્યતા છે. ટોપસ્તરે સરકાર રજૂઆત કરવાના મૂડમાં દેખાઈ રહી છે. અમેરિકા દ્વારા જે કારણો પાકિસ્તાનને એફ-૧૬ વિમાનો આપવા માટે દર્શાવવામાં આવ્યા છે તે ભારતે ફગાવી દીધા છે. ભારતે પોતાની નારાજગી વ્યક્ત કરી દેતા આગામી દિવસોમાં આ મામલો સપાટી પર આવી શકે છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનને એફ-૧૬ વિમાનો વેચવાના અમેરિકાના નિર્ણયથી ભારત નારાજ છે.

ત્રાસવાદી ગતિવિધીને રોકવામાં હથિયારો આપવાથી ફાયદો થશે તેવા અમેરિકાના તર્ક સાથે અમે સહમત નથી. ભારત સરકારે કહ્યુ છે કે પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધીને સતત પ્રોત્સાહન આપી રહ્યુ છે. આના પુરાવા વારંવાર મળી ચુક્યા છે. પાકિસ્તાનને પુરાવા આપવામાં આવી ચુક્યા છે. હવે અમેરિકા સમક્ષ રજૂઆત કરવામાં આવનાર છે.પેન્ટાગોનની શાખા રક્ષાસુરક્ષા સહયોગ એજન્સીએ કહ્યું છે કે, આ સોદાની કિંમત ૬૯.૯૪ કરોડ ડોલર છે.

નિવેદનમાં જણાવ્યું છે કે, આ પ્રસ્તાવિત વેચાણ દક્ષિણ એશિયામાં એક વ્યૂહાત્મક સાથીદારની સુરક્ષામાં સુધારો કરવામાં મદદ કરીને અમેરિકી વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના લક્ષ્યાંકોમાં પોતાનું યોગદાન આપે છે. જો કે પેન્ટાગોનની આ ડીલ ઉપર મહોર લાગ્યા બાદ અમેરિકી સાંસદો પાસે ૩૦ દિવસનો સમય રહેશે. આ દરમિયાન તેઓ પાકિસ્તાનને ફાઇટર વિમાન વેચવાના પગલાં પર રોક લગાવી શકે છે.

જો અમેરિકી સાંસદોએ આવું ન કર્યું તો ઓબામા તંત્ર એક જાહેરનામુ બહાર પાડશે અને ડીલ પર કામ શરૂ થઈ જશે. આ સોદાથી પાકિસ્તાન ઍરફોર્સની તાકાત વધશે. આ વિમાનને કોઇપણ મોસમ કે રાત્રીના ઓપરેટ કરી શકાય છે.

You might also like