અમેરિકાએે H-૧-બી વિઝા ફી બમણી કરી

નવી દિલ્હી: ભારતે વાંધો ઉઠાવ્યો હોવા છતાં અમેરિકી સંસદે ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પાસેથી વસૂલ કરવામાં આવતી આઉટસોર્સિંગ ફી વધારીને બમણી કરી દીધી છે. અમેરિકી સંસદ દ્વારા જણાવાયું હતું કે અમેરિકામાં ૫૦ અથવા તેથી વધુ લોકોને નોકરી પર રાખનારી અરજદાર કંપનીના કર્મચારીઓ પૈકી અડધાથી વધુ કર્મચારી એચ-૧ બી અથવા એલ-૧ વિઝા ધરાવતા હોય તો તે કંપનીએ હવે એચ-૧ બી વિઝા માટે ૨હજાર ડોલરને બદલે ૪ હજાર ડોલર અને એલ-૧ વિઝા માટે ૪,૫૦૦ ડોલર ચૂકવવા પડશે.

એચ-૧ બી વિઝા માટે ૨ હજાર ડોલર અને કેટલાક એલ-૧ વિઝા માટે ૨,૨૫૦ ડોલર આઉટસોર્સિંગ ફીનો ઉપયોગ કંપનીની અંદર થનારી ટ્રાન્સફર્સ માટે કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ ઓગસ્ટ ૨૦૧૦માં તેને પાંચ વર્ષ માટે મંજૂરી આપી હતી, પરંતુ સપ્ટેબરમાં તેની મુદત પૂરી થતા સંસદે તેને રિન્યૂ કરી નહોતી.

આમ તો અમેરિકી કોંગ્રેસનો આ નિર્ણય આઈટી ઉદ્યોગની દ્રષ્ટિએ સારો તો કહી શકાય જ નહીં કારણ કે તે કુશળ કર્મચારીઓને ક્લાયન્ટ લોકેશન્સ પર ટ્રાન્સફર કરવા માટે વિઝા પર વધુ આધારિત રહે છે. અમેરિકામાં સ્કીલ્ડ વર્કરોમાં એચ-૧ બી વિઝા મેળવવાની પ્રક્રિયાને લઈને પણ અસંતોષ વધી રહ્યો છે. તેમનું કહેવું છે કે મોટી કંપનીઓ માટે વિઝા સસ્તા વિદેશી કર્મચારીઓને હાયર કરવા માટેનું એક માધ્યમ છે.

આ અગાઉ પીઆઈબીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને ભારતના આઈટી ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા વ્યવસાયિકોની વિઝા સંબંધિત ચિંતા જણાવી હતી. ઉલ્લેખનીય છે કે ઓબામાએ પેરિસ જળવાયુ પરિવર્તન સમજૂતીમાં ભારતની ભૂમિકા માટે મોદીને અભિનંદન પાઠવવા માટે ફોન કર્યો હતો.

અમેરિકામાં આવતા વર્ષે પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે અને એચ-૧ બી વિઝાને લઈને અહીં ચર્ચા વધી ગઈ છે કારણ કે નેતાઓ એચ-૧ બી વિઝાની હાલની સંખ્યામાં ઘટાડો અને આઈટી કર્મચારીઓના વેતન પર અંકુશની માગણી કરીરહ્યા છે. અમેરિકાના હંગામી વિઝાથી ભારતનો ૧૪૬ બિલિયન ડોલરનો આઉટસોર્સિંગ ઉદ્યોગ સતત લાભ ઉઠાવતો રહ્યો છે. આ ઉદ્યોગની સંસ્થા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીનો લાંબા સમયથી અભિપ્રાય છે કે ભારતીય આઈટી કંપનીઓ માટે વિઝા ફી ભેદભાવયુક્ત છે.

You might also like