ઉત્તર કોરિયાનું મિસાઈલ પરીક્ષણ નિષ્ફળ ગયુંઃ અમેરિકાનો દાવો

સિયોલ: અમેરિકાની નૌસેના અને દક્ષિણ કોરિયાની સેનાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી કરવામાં આવેલું મધ્યમ અંતરનું નવું બેલિ‌સ્ટિક મિસાઈલ પરીક્ષણ નિષ્ફળ ગયું છે.  દક્ષિણ કોરિયાની સમાચાર સંસ્થા યોનહૈપના જણાવ્યા અનુસાર આ પરીક્ષણ વખતે રોકેટે જેવું ઉડાન ભર્યું કે તરત જ તેમાં વિસ્ફોટ થઈ ગયો હતો. આ ટેસ્ટ તાજેતરમાં ગૂસંગ શહેર નજીક કરવામાં આવ્યો હતો. મુસુદન એક બે‌િલ‌સ્ટિક મિસાઈલ છે, જેની રેન્જ ૩,૦૦૦ કિલોમીટરથી વધુ છે.

આ અંગે હજુ સુધી કોરિયાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી, જોકે ઉત્તર કોરિયા આ અગાઉ પ,૦૦૦ કિલોમીટર સુધી હુમલો કરી શકે તેવી મિસાઈલનું પરીક્ષણ કરી ચૂક્યું છે અને તેમાં તેને અનેક ક્ષેત્રે સફળતા પણ મળી છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી બે‌િલસ્ટિક અને ન્યુક્લિયર ટેકનિક પર પ્રતિબંધ લગાવ્યા બાદ પણ ઉત્તર કોરિયાએ આ વર્ષે અનેક મિસાઈલ ટેસ્ટ કર્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયા ટૂંક સમયમાં જ વધુ એક લાંબા અંતરનું રોકેટ પરીક્ષણ અથવા પરમાણુ પરીક્ષણ કરી શકે તેમ છે.

ઉત્તર કોરિયા સતત બેલિ‌સ્ટિક પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યું છે. જે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંકલ્પોના ઉલ્લંઘન સમાન છે. અમેરિકાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે તેના સાથી દેશ દક્ષિણ કોરિયા અને જાપાનની સુરક્ષા માટે કટિબદ્ધ છે. વધુમાં જણાવ્યું છે કે અમેરિકા આવી ભડકાવનારી કોઈ પણ કાર્યવાહીનો મજબૂત જવાબ આપવા હંમેશા તૈયાર રહેશે. જાપાન અને સંયુકત રાષ્ટ્રએ પણ આવા પરીક્ષણ અંગે ચિંતા વ્યકત કરતા તેની આકરી ટીકા કરી હતી અને તે અંગે સખત પગલાં લેવાની પણ ચીમકી આપી છે.

You might also like