ઉત્તર કોરિયા ફરીથી મિસાઇલ બનાવે છેઃ અમેરિકામાં ખળભળાટ

વોશિંગ્ટન: અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓને એવી ચોંકાવનારી માહિતી મળી છે કે ઉત્તર કોરિયા ફરીથી નવી મિસાઇલો બનાવી રહ્યું છે. ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર ઈન્ટેલિજન્સ એજન્સીઓને સેટેલાઇટ ઇમેજ દ્વારા નવી મિસાઇલ બનાવવામાં આવી રહી હોવાના પુરાવા હાથ લાગ્યા છે.

અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયા ઓછામાં ઓછી એકથી બે પ્રવાહી ઇંધણ ધરાવતી ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ બનાવી રહ્યું છે. ધ વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા અનુસાર એક ફેકટરીની આસપાસ દરરોજ ટ્રકની અવરજવર જોવા મળી રહી છે. આ એ ફેકટરી છે જ્યાં પ્રથમ વાર ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ્સ (આઇસીબીએમ) બનાવવામાં આવી હતી.

૭ જુલાઇના રોજ લેવામાં આવેલી એક તસવીરમાં ફેકટરીના લોડિંગ એરિયામાં એક ઘેરા લાલ રંગની ટ્રક જોવા મળી હતી. આ રંગની ટ્રકનો અગાઉ પણ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ્સ (આઇસીબીએમ) બનાવતી વખતે ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક અમેરિકન અધિકારીએ ધ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યુું હતું કે અહીં અગાઉની જેમ જ કામ ચાલી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ ગઇ સાલ પોતાની સૌથી શકિતશાળી મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. એ વખતે દ‌િક્ષણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે આ મિસાઇલ પ૩ મિનિટ સુધી આસમાનમાં રહી હતી અને લગભગ ૯૬૦ કિલોમીટર દૂર જઇને પડી હતી. ત્યાર બાદ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે જણાવ્યું હતું કે આ મિસાઇલથી સમગ્ર અમેરિકા પર હુમલો કરી શકાશે.

દરમિયાન આ વર્ષે જૂન મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક મુલાકાત થઇ હતી અને કિમ જોંગે એવી ખાતરી આપી હતી કે કોરિયાઇ ક્ષેત્રને સંપૂર્ણપણે અણુશસ્ત્રોથી મુકત કરવામાં આવશે.

You might also like