યુએનમાં US-બ્રિટન અને ફ્રાંસે આતંકી મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો

(એજન્સી) નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાની સા‌િજશ રચનાર પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદ વિરુદ્ધ ભારતને રાજદ્વારી મોરચે એક વધુ મોટી સફળતા હાંસલ થઇ છે. પુલવામા આતંકી હુમલા બાદ આતંકવાદ વિરુદ્ધના જંગમાં હવે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ ભારતની પડખે આવી ગયાં છે.

પાક. પ્રેરિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવા અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદ સમક્ષ એક નવો પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. આ પ્રસ્તાવમાં એવું પણ જણાવાયું છે કે જૈશ-એ-મોહંમદે જ ભારતીય અર્ધલશ્કરી દળ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી આતંકી હુમલો કર્યો હતો.

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે ૧પ સભ્યની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિને જણાવ્યું છે કે મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરીને તેના પર શસ્ત્રોનો પ્રતિબંધ, વૈશ્વિક પ્રવાસ પર પ્રતિબંધ અને તેની સંપ‌િત્તઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે.

વીટો પાવર ધરાવતા આ ત્રણેય રાષ્ટ્રોએ સાથે મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ રજૂ થયા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં છેલ્લાં દસ વર્ષમાં ચોથી વખત મસૂદ અઝહરને પ્રતિબંધિત જાહેર કરી તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માગણી થઇ છે.

જોકે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં નવેસરથી રજૂ કરાયેલ આ પ્રસ્તાવ પસાર થશે કે કેમ તે પાકિસ્તાનના ઓલ વેધર ફ્રેન્ડ ચીન પર નિર્ભર કરશે. ચીન વીટો પાવરથી સજ્જ સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય રાષ્ટ્ર છે અને ભૂતકાળમાં મસૂદ વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ પર વીટો વાપરીને આ પ્રસ્તાવને નકારી ચૂક્યું છે. ચીને અગાઉ ર૦૧૬ અને ર૦૧૭માં મસૂદ વિરુદ્ધ લવાયેલ પ્રસ્તાવને અટકાવી દીધો હતો.

આ વખતે આ નવા પ્રસ્તાવ પર ચીને હજુ સુધી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી. ભારત પણ અગાઉ ર૦૦૯માં સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ રજૂ કરી ચૂકયું હતું, પરંતુ દર વખતે ચીને જ પ્રસ્તાવ આડે રોડાં નાખીનેે પ્રસ્તાવને અટકાવી દીધો હતો.

આ સંદર્ભમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ફ્રાંસના પ્રમુખ ઇમેનુએલ મેક્રોના રાજદ્વારી સલાહકાર સાથે પણ વાતચીત કરી હતી. તાજેતરમાં ચીન પ્રવાસે ગયેલા ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે પણ મસૂદ સહિતના આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં ચીનનો સહકાર માગ્યો છે.

જોકે ચીને પુલવામાના આતંકી હુમલા અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાને જારી કરેલા નિવેદનને મહત્ત્વ આપ્યું નથી. આ દરમ્યાન ભારત સરકારે રાજદ્વારી રીતે દુનિયાભરના દેશોને જૈશ-એ-મોહંમદ અને પાકિસ્તાની સૈન્ય વચ્ચે સાંઠગાઠ હોવાનું જણાવ્યું છે એટલું જ નહીં, અબુધાબીમાં આવતી કાલે યોજાનારી ઇસ્લા‌િમક દેશોની બેઠકમાં ભારતીય વિદેશપ્રધાન સુષમા સ્વરાજ પણ આ મુદ્દાને ઉઠાવી શકે છે.

You might also like