અમેરિકામાં શીખ પર હુમલો કરાયો પાઘડી ઉતારી ચાકુથી વાળ કાપ્યા

ન્યૂયોર્ક: અમેરિકામાં ૪૧ વર્ષીય આઇટી એકસપર્ટ માનસિંહ ખાલસા નામના શીખની કેટલાક લોકોએ ખરાબ રીતેે મારપીટ કરી હતી. તેમની પાઘડી ઉતારીને ચાકુથી તેમના વાળ કાપી નાખ્યા હતા. ખાલસાને આંખ, હાથ અને દાંતમાં ઇજા પહોંચાડી હતી. સિવિલ રાઇટસ ઓર્ગેનાઇઝેશન ધ શીખ કોએલિશન દ્વારા આ ઘટનાની તપાસ કરવા માગણી કરવામાં આવી છે.

શીખ પર મારપીટની આ ઘટના કેલિફોર્નિયાની છે. માનસિંહ ખાલસા જ્યારે રાત્રે પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે યુવાનોના એક જૂથે તેમની ગાડી પર બિયરનું કેન ફેંકયું હતું. ધ શીખ કોએલિશનના નિવેદન અનુસાર ખાલસાએ આ વાત પર ધ્યાન આપ્યું નહોતું અને પોતાની કાર આગળ હંકારી દીધી હતી, પરંતુ આરોપી યુવાનોએ તેમનો પીછો કર્યો હતો અને તેમની કારની ખુલ્લી બારીમાંથી તેમના પર હુમલો કર્યો હતો.

યુવાનોનાં જૂથે તેમની પાઘડી નીચે પાડી દીધી હતી અને તેમના ચહેરા પર હુમલો કર્યો હતો. ખાલસાના જણાવ્યા પ્રમાણે પાંચથી છ યુવાન હતા અને તેમની ઉંમર ર૦થી ૩૦ની વચ્ચે હતી. તેઓ મને ગાળો આપી રહ્યા હતા અને બૂમો પાડતા હતા કે તેના વાળ કાપી નાખો. તેમણે મારું માથું કારની બારીમાંથી બહાર ખેંચીને ચાકુથી મારા વાળ કાપી નાખ્યા હતા. આ હુમલાથી ખાલસાને આંખ, હાથ અને દાંતમાં ઇજાઓ પહોંચી હતી.

ધ શીખ કોએલિશને રિચમન્ડ પોલીસમાં ફરિયાદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ શીખ કોએલિશન અમેરિકાનું સૌથી મોટું સિવિલ રાઇટસ ઓર્ગેનાઇઝેશન છે. ધ શીખ કોએલિશનના અખબારી નિવેદન અનુસાર હુમલાખોરોનો હેતુ ખાલસાને શારીરિક અને ધાર્મિક રીતે નુકસાન પહોંચાડવાનો હતો. ધ શીખ કોએલિશનની ડાયરેકટર હરસીમરન કૌરના જણાવ્યા અનુસાર આ પ્રકારની હિંસા અને ધાર્મિક રીતે ભેદભાવની તપાસ થવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે ૯/૧૧ના હુમલાને ૧પ વર્ષ થઇ ચૂકયા છે, પરંતુ ત્યાર બાદ શીખોને ૧૦૦ ગણા વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

You might also like