ચીનના OBOR અંગે USએ ભારતને સમર્થન આપ્યું

વોશિંગ્ટન: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ડ્રીમ પ્રોજેકટ વન રોડ વન બેલ્ટ સામે અમેરિકાએ ભારતના વિરોધને સમર્થન આપ્યું છે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મૈટિસે જણાવ્યુ કે કોઈપણ દેશને આવા વિસ્તારમાં કોઈ પ્રોજેકટ મૂકતા પહેલાં વિચારવું જોઈએ કે તે વિસ્તાર વિવાદાસ્પદ હોય. અમેરિકાએ આ બાબતે સ્પષ્ટ જણાવ્યું છે કે ચીનનો આ પ્રોજેકટ વિવાદાસ્પદ વિસ્તારમાંથી પસાર થાય છે.

તાજેતરમાં ભારતની મુલાકાત લઈને અમેરિકા પરત આવેલા મૈટિસે સેનેટ આર્મ્ડ સર્વિસ કમિટી સમક્ષ જણાવ્યું કે આપણે એક ગ્લોબ્લાઈઝડ વિશ્વમાં રહીએ છીએ. જેમાં અનેક પ્રકારના રોડ અને બેલ્ટ આવેલા છે. તેથી કોઈપણ દેશે એક જ બેલ્ટ બનાવીને તેની વાત કરવી ન જોઈએ. ઓબીઓઆર અને ચીનની નીતિ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વન બેલ્ટ વન રોડ પ્રોજેકટ વિવાદાસ્પદ વિસ્તારમાંથી પસાર થાય છે. જે વાત પરથી સાબિત થાય છે કે ચીન તેની વાત મનાવવા માગે છે.

ગત મે મહિનામાં ચીનમાં ઓઆરઓબીની સમિટ પણ યોજવામાં આવી હતી. જેનો ભારતે વિરોધ કર્યો હતો. તેમાં ૨૯ દેશના રાષ્ટ્રાધ્યક્ષ, સંયુકત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ, વિશ્વ બેન્કના પ્રમુખ જિમ યોંગ કિમ, આંતરરાષ્ટ્રીય નાણાં કોષના મેનેજિંગ ડાયરેકટર ક્રિસ્ટિન લગાઈ ઉપરાંત ૧૩૦ દેશના અધિકારી, ઉદ્યોગપતિઓ અને ફાઈનાન્સરો અને પત્રકારો સામેલ થયા હતા.

You might also like