દક્ષિણ ચીન સાગરમાં જંગી જહાજો ઉતારતું અમેરિકા

વોશિંગ્ટન: દક્ષિણ ચીન સાગર કાંઠે અમેરિકાએ જંગી જહાજોનો કાફલો ઉતારતા અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે. અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં હુમલા માટે આ જહાજ ઉતાર્યા હોવાનું જાણવા મળે છે.
વ્હાઈટ હાઉસના મીડિયા સચિવ શોન સ્પાઈસરે જણાવ્યુ કે આ સાગરમાં જે આઈલેન્ડસ છે તેના પર સમગ્ર વિશ્વનો હક છે. માત્ર ચીન તેના પર કબજો જમાવી ન શકે. આ મુદે અમે માત્ર અમેરિકા જ નહિ પણ આંતરરાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે આ પગલું ભરી રહ્યા છે. હકીકતમાં આ આઈલેન્ડ ચીનનો નહિ પણ આંતરરાષ્ટ્રીય પાણીનો એક ભાગ છે.

અમે ખાતરી આપીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સરહદોને કોઈ અેક દેશના કબજામાં રહેવા નહિ દઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ અમેરિકાના વલણમાં ફેરફાર થયો છે. ચાર દિવસ પહેલાં જ ચીને આ મામલે અમેરિકાને ચેતવણી આપી હતી. અમેરિકાએ નિમિત્જ ક્લાસના એરક્રાફ્ટ કેરિયર યુએસએસ કા૪લ વિન્સન શિપ્સના બેડા પ્રશાંત મહાસાગરમાં રવાના કર્યા છે. વિન્સનના ફેસબુક પર આ અંગે જાણકારી આપવામાં આવી છે.

આ ઉપરાંત બેડામાં મિસાઈલ ડેસ્ટ્રોયર યુએસએસ વેન ઈ મેયર અને કેરિયર એર વિંગ ૨ મોકલવામાં આવ્યું છે. કેરિયર એર વિંગ ૨માં કોમ્બેટ હેલિકોપ્ટર સ્કોડ્રન, બ્લૂ હોકસ હેલિકોપ્ટર્સ અને બાઉંટી હંન્ટર્સ જેવા સ્ટ્રાઈક ફાઈટર્સ સામેલ છે.
સ્ટ્રાઈક ગ્રૂપના કમાન્ડર રિયર અેડમિરલ જેમ્સ કિલ્બીએ જણાવ્યું કે પ્રશાંત મહાસાગરમાં અમે અનેક સપ્તાહ સુધી તાલીમ લીધી હતી. જેનાથી ફાયદો થશે. દક્ષિણ ચીન સાગરનો ૩૦ લાખ વર્ગ કિમી વિસ્તાર વિવાદાસ્પદ છે.

તેના પર ચીન, ફિલિપાઈન્સ, વિયેતનામ,મલેશિયા, તાઈવાન દાવો કરી રહ્યા છે. એક અનુમાન મુજબ આ વિસ્તારમાં ૨૧૩ અબજ બેરલ તેલ અને ૯૦૦ ટ્રિલિયન કયુબિક ફૂટ કુદરતી ગેસનો ભંડાર છે. વિયેતનામ આ વિસ્તારમાં ભારતને તેલનું સંશોધન કરવામાં સામેલ થવા આમંત્રણ આપી ચુકયું છે. ચીને ૨૦૧૩માં રીફ વિસ્તારને આર્ટિફિશિયલ આઈલેન્ડમાં ફેરવી નાખ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like