ગૌમૂત્ર-લીમડાના તેલનો ઉપયોગથી ડાંગર પકવવાની સિધ્ધિની નોંધ લેવાઇ

વડોદરા : વિવિધ પ્રકારના પ્રદૂષણને લીધે માત્ર ધરતી ઉપરના વાતાવરણનું જ નહીં પણ ધરતી હેઠળ પેટાળનું પર્યાવરણ અને તંદુરસ્તી બગડ્યા છે. એક તરફ ભૂગર્ભ જળનો ભંડાર બેફામ વપરાશને લીધે ખાલી થયો છે અને બીજી તરફ ખેતીમાં સતત રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના આડેધડ વપરાશને લીધે જમીનનો રસકસ નીચોવાઇ ગયો છે.

તેવા સમયે શિનોર તાલુકાના બાવળીયા ગામના વનરાજસિંહ દિલીપસિંહ ચૌહાણ જેઓ ગાય આધારિત સજીવ અને સાત્વીક ખેતીની ધૂણી ધખાવીને બેઠા છે, તેમણે ધરતીને વાતાવરણને અને પર્યાવરણને સાચવવાની એક નવી દિશા દેખાડી છે. કળીયુગના કૃષ્ણની ઉપમા આપવી પડે એવા વનરાજસિંહ ગીર ઓલાદની દેશી ૬૦ ગૌમાતાઓનો તબેલો ધરાવે છે અને ગૌમાતાને જ ધરતીની પાલક, પોષક અને રક્ષક બનાવીને ૧૦૦ વીંઘા જમીનમાં રાસાયણિક ઝેર વગરની સાત્વીક ખેતી કરે છે.

એટલું જ નહીં આ કૃષિના ઋષિ સબળ દાખલા દલીલો સાથે કૃષિ મહોત્સવોમાં ખેડૂતોને ગાયને આધારે ખેતી કેવી રીતે થઇ શકે તેનું માર્ગદર્શન આપે છે. બાવળીયાના યુવાનોને તેમના પ્રયોગોથી ગાય આધારિત ખેતીમાં રસ જાગ્યો છે. તેના પગલે શિનોર, કરજણ અને ડભોઇ તાલુકાના ૫૦ જેટલાં ખૂડતો આવી ખેતી કરતા થયા છે અને તેમનું મંડળ આ ખેતી પધ્ધતિનું માર્ગદર્શન પણ આપે છે. વનરાજસિંહના મતે ખેતી કરનારાઓને ગાય અવશ્ય પાળવી જોઇએ. એક ગાયના છાણમૂત્રથી ૩૦ વીંઘા જમીનની પોષક તત્વોની આવશ્યકતા સંતોષી શકાય એવો તેમનો અનુભવ સિધ્ધ દાવો છે.

તેમના પરિવારને શ્રેષ્ઠ પશુપાલકનું ઇનામ મળી ચૂક્યુ છે. તેમણે સન ૨૦૦૮માં એક ગાય પાળીને તેના છાણ મૂત્રને આધારે ખેતીનો પ્રયોગ શરૂ કર્યો દર વર્ષે સાત્વીક ખેતીનો ૧૦ વીંઘામાં વધારો કરતા ગયા. આજે ૬૦ ગાયો છે અને ૧૦૦ વીંઘા જમીનમાં ગૌખેતીને વિસ્તારી છે. રાસાયણીક ખાતર અને દવાઓ આપવી એટલે ધરતી જેને આપણે માતા કહીએ છીએ તેને ઝેર પીવડાવવા જેવું દુષ્કૃત્ય છે એવો આક્રોશ ઠાલવતા વનરાજસિંહ જણાવે છે કે, ગાયના છાણ અને મૂત્રમાં ધરતીની નુકશાનકારક જીવાતો મારે, ઉપકારક બેક્ટેરીયા વધારે અને જમીનને જરૂરી તમમ પોષક તત્વો પૂરાં પાડે એવી તાકાત છે.

You might also like