ઉરી હુમલા અંગે સવાલ પુછાતાં શરીફ ભાગી ગયા

ન્યૂયોર્કઃ પાકિસ્તાનના વડા પ્રધાન નવાજ શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૧મા સત્રમાં ભાગ લેવા ગઈ કાલે રાત્રે ન્યૂયોર્ક સિટી પહોંચ્યા. નવાજ શરીફ ન્યૂયોર્ક સિટી પહોંચ્યા અને તરત જ પત્રકારોઅે તેમને ઘેરી લીધા અને ઉરી હુમલાને લઈને સવાલ કરવા લાગ્યા. નવાજ શરીફ સવાલોના જવાબ અાપ્યા વગર જ ત્યાંથી ચાલી નીકળ્યા અેટલું જ નહીં, પત્રકારોઅે વિદેશી બાબતોના સલાહકાર સરતાઝ અઝીઝને પણ સવાલ પૂછવાની કોશિશ કરી, પરંતુ તેઅો પણ જવાબ અાપ્યા વગર ચાલ્યા ગયા.
અા પહેલાં નવાજ શરીફે ન્યૂયોર્કમાં અમેરિકી વિદેશ પ્રધાન જ્હોન કેરી સાથે મુલાકાત કરી. તેમણે કાશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ઉત્પન્ન થયેલા તણાવને ખતમ કરવા માટે અમેરિકાઅે દખલ કરવી જોઈઅે.

નવાજ શરીફની જ્હોન કેરી સાથેની મુલાકાત બાદ પાકિસ્તાન તરફથી એક નિવેદન જારી કરાયું છે, જેમાં લખ્યું છે કે વડા પ્રધાને કહ્યું છે કે કાશ્મીરમાં ૧૦૭થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. હજારો ઘાયલ છે અને સરકારી સ્તરે માનવ અધિકારોનું ઘોર હનન થઈ રહ્યું છે. નિવેદન મુજબ શરીફે કેરીને કહ્યું કે તેમને હજુ પણ રાષ્ટ્રપતિ બિલ કવીન્ટનો વાયદો યાદ છે કે અમેરિકા પાકિસ્તાન અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વિવાદો અને મુદ્દાઅોને હલ કરવામાં તે પોતાની ભૂમિકા ભજવશે. શરીફે કહ્યું કે હું અમેરિકી પ્રશાસન અને વિદેશ પ્રધાન પાસેથી અાશા રાખું છું કે તેઅો ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય મુદ્દાઅોને હલ કરવા પોતાના પદનો ઉપયોગ કરે.

You might also like