ઉરી હુમલા અંગેના અા ૬૭ પુરાવા પાકિસ્તાનની પોલ ઉઘાડી પાડશે

નવી દિલ્હી : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ઉરી આતંકી હુમલા સ્થળેથી પાકિસ્તાન વિરુદ્ધ ૬૭ પુરાવા એકત્ર કર્યા છે, જેની હવે ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. તેનો હેતુ આ ઘટનામાં પાકિસ્તાનનો સીધો હાથ છે એવું પુરવાર કરવાનો છે ઉરી આતંકી હુમલામાં ૧૯ જવાન શહીદ થયા હતા અને ત્યાર બાદ ભારતે પાક. હસ્તક કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કર્યા હતા.

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિશ્લેષણનો હેતુ ઉરી હુમલા અંગે પાકિસ્તાન વિરુદ્ધ પાકા પુરાવા એકત્ર કરવાના છે કે જેથી તેનું સીધું કનેકશન પુરવાર થઈ શકે. ઉરી અને હંદવાડામાં માર્યા ગયેલા આતંકવાદી પાસેથી ઊર્જા વધારવાની દવાઓ મળી હતી. જેના પર પાકિસ્તાનનું લેબલ જોવા મળ્યું છે જે એક પણ પુરાવો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્ટિરોઈડનાં ઈન્જેકશન હતાં. જે શરીરને સ્ફૂર્તિ આપતાં હોય છે. અગાઉ આતંકીઓ બીજા પ્રકારની ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા. આ દરમિયાન એનઆઈએની ૧૦-૧૨ સભ્યોની ટીમે શુક્રવારથી હંદવાડાના લાંગેટમાં થયેલા આતંકી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ દવાઓ એ મેડિકલ કિટનો ભાગ છે, જે પ્રત્યેક મોડ્યુલના ચાર ઘૂસણખોરને આપવામાં આવે છે. આ કિટમાં સ્ટિરોઈડ, એન્ટી બાયોટિક્સ અને પેઈનકિલર્સ ઉપરાંત બેન્ડેજ અને સિરિન્જનો પણ સમાવેશ થાય છે.

જપ્ત કરાયેલી કેટલીક દવાઓમાં કરાંચીના ફાર્મા મેન્યુફેક્ચર્સનાં લેબલ છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. સ્ટિરોઈડ ફાર્મા ટેક પાકિસ્તાન પ્રાઈવેટ કંપની અથવા ઓબીએસ પાકિસ્તાન પ્રાઈવેટ કંપનીના છે. બાકી લેબલ્સમાં ફૈસલાબાદની એક્સિસ ફાર્માસ્યુટિકલ્સ, લાહોરની મર્ફી ફાર્માસ્યુટિકલ્સ અને કરાચીની ઈફરોઝ કંપનીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વાયર કટર્સ, બે ચાઈનીઝ મેડ પ્રોડક્ટ- ગેસ લાઈટર અને માસ્ટર્સ પ્લસ ડિસ્પોઝેબલ સિરિન્જનો સમાવેશ થાય છે. બે રેડિયો સેટ, એક જીપીએસ યુનિટ અને મોબાઈલ ફોન નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને સી-ડેકને મોકલવામાં આવ્યાં છે કે જેથી તેમાંથી ડેટા કાઢીને તેની તપાસ કરી શકાય.

You might also like