ભારત-પાક.માં તંગદિલીથી ટેક્સટાઈલ અને કેમિકલ નિકાસકારો ચિંતામાં

અમદાવાદ: ઉરીના આતંકવાદી હુમલામાં ૧૮ સૈનિકો શહીદ થયા બાદ ભારત અને પાકિસ્તાનના રાજકીય સંબંધોમાં તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ માહોલના પગલે રાજ્યના નિકાસકારો પણ ચિંતામાં મુકાયા છે. રાજ્યમાંથી યાર્ન સહિત કેમિકલ તથા દવાઓની નિકાસ થાય છે. આ નિકાસકારો ચિંતામાં મુકાઇ ગયા છે. તેઓના કહેવા પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જો કાંકરીચાળો થાય કે છમકલા જેવી સ્થિતિ ઊભી થાય તો તેઓના નિકાસ કારોબારને મોટો આર્થિક ફટકો પડી શકે છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાંથી પાછલાં વર્ષે ૨૦૦ કરોડથી વધુના યાર્નની નિકાસ થઇ હતી એટલું જ નહીં આ વર્ષે પણ ૫૫ ટકાથી વધુની નિકાસ ગ્રોથ થવાનું અનુમાન જોવાઇ રહ્યું છે.  એ જ પ્રમાણે પાછલાં વર્ષે રો કોટનની પણ પાકિસ્તાનમાં મોટી માગ જોવાઇ હતી. કલર કેમિકલ્સ, દવા અને ટેક્સટાઇલ મશીનરીની પણ રાજ્યમાંથી નિકાસ થઇ રહી છે. આવા સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જો કોઇ સંબંધો વણસે તો આ પરિસ્થિતિમાં નિકાસકારોને ભારે આર્થિક નુકસાન પહોંચી શકે છે.

આ અંગે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ બિપીનભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે રાજ્યમાંથી કલર કેમિકલ, ટેક્સટાઈલ મશીનરી સહિત અન્ય કેટલીક ચીજવસ્તુઓની નિકાસ થાય છે. માત્ર કેમિકલ્સની જ વાત કરીએ તો ૨૦૦ કરોડ કરતાં પણ વધુ ડાઇઝ અને કેમિકલ્સની નિકાસ રાજ્યમાંથી થાય છે.

ટેક્સટાઇલ મશીનરી, દવા સહિત અન્ય કેટલીક ચીજવસ્તુઓની નિકાસ રાજ્યમાંથી થાય છે. જો ભારત-પાકના સંબંધો બગડે તો આ કારોબારને નુકસાન થવાની સાથે દેશના કરોડો રૂપિયાના નિકાસ કારોબારને માઠી અસર પહોંચી શકે છે.

You might also like