અડદની દાળને પણ ભાવવધારાનું ગ્રહણ

અમદાવાદ: પહેલાં તુવેરની દાળ, પછી ચણાની દાળ અને હવે અડદની દાળના ભાવમાં એકતરફી ઉછાળાની ચાલ જોવા મળી છે. ડિસેમ્બર બાદ છેલ્લા ત્રણ મહિનામાં અડદની દાળના ભાવમાં ૩૦થી ૪૦ રૂપિયાનો વધારો જોવાઇ ચૂક્યો છે. સ્થાનિક બજારમાં ડિસેમ્બરમાં ૧૩૫થી ૧૪૫ રૂપિયાના મથાળે જોવા મળી રહેલા અડદની દાળની સંઘરાખોરી અને સટ્ટાકીય ખરીદી પાછળ હાલ ૧૭૫થી ૧૮૫ રૂપિયાની સપાટીએ ભાવ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

સ્થાનિક અનાજ બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સંઘરાખોરીના કારણે ઓછા પુરવઠાએ પાછલા કેટલાક સમયથી ચોક્કસ કોમોડિટી જેવી કે ચણા, ચણાની દાળ અને અડદની દાળના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

સિઝન છતાં તુવેરની દાળના ભાવ ૧૫૦ને પાર
તુવેરની દાળના ભાવ ઘટવાનું નામ લેતી નથી. ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં કંઇક અંશે રાહત જોવાઇ હતી અને ભાવ ઘટીને ૧૨૦થી ૧૩૦ની સપાટીએ આવી ગયા હતા, પરંતુ તુવેરની દાળની આવકની સિઝન હોવા છતાં દાળના ભાવ વધી રહ્યા છે. સ્થાનિક હાજર બજારમાં તુવેરની દાળના ભાવે ૧૫૦ની સપાટી વટાવી ૧૫૦-૧૫૨ પર પહોંચી ગયા છે.

You might also like