ટીમ ઇન્ડિયા સામે શ્રીલંકન ટીમનું નેતૃત્વ થારંગા કરશે

પલ્લેકલઃ અનુભવી બેટ્સમેન ઉપુલ થારંગા આગામી રવિવારથી દામ્બુલામાં ભારત સામે શરૂ થઈ રહેલી પાંચ વન ડે મેચની શ્રેણીમાં ૧૫ સભ્યોની શ્રીલંકન ટીમનું નેતૃત્વ સંભાળશે. થારંગા ભારત સામે ટેસ્ટ શ્રેણીની છ ઇનિંગ્સમાં ફક્ત ૮૮ રન જ બનાવી શક્યો હતો, જેમાં શ્રીલંકાને ૦-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. એન્જેલો મેથ્યુસે જુલાઈમાં ઘરેલુ શ્રેણીમાં ઝિમ્બાબ્વે સામે ૨-૩થી પરાજય બાદ વન ડે ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી, જેના કારણે થારંગાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મેથ્યુસ એક ખેલાડી તરીકે ટીમમાં જ રહેશે.

અનુભવી ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ પણ ટીમમાં વાપસી કરી છે. ઝિમ્બાબ્વે સામે અંતિમ ત્રણ વન ડે રમનારી શ્રીલંકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર નુવાન પ્રદીપ અને ઓલરાઉન્ડર અસેલા ગુણારત્ને ઈજાને કારણે ટીમની બહાર થયા છે, જેમના સ્થાને યુવા ફાસ્ટ બોલર લાહિરુ કુમારા અને ડાબોડી સ્પિનર માલિંડા પુષ્પકુમારાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

You might also like