ઉપુલ ચંદાના પૈસા ખાતર આજે દુકાન ચલાવી રહ્યો છે

કોલંબોઃ આપણે બધાંએ એવા ઘણા ભારતીય એથ્લીટ અંગે સાંભળ્યું હશે કે જેમને નિવૃત્તિ બાદ પોતાનું ગુજરાન ચલાવવા માટે મેડલ વેચવા પડ્યા હોય, જોકે ક્રિકેટર્સ અંગે હજુ સુધી આવી કોઈ સ્ટોરી સાંભળી નથી. ભારતમાં તો નહીં, પરંતુ શ્રીલંકામાં એક એવો ભૂતપૂર્વ ક્રિકેટર જરૂર છે, જે એક સમયે દેશ માટે શાનદાર બોલિંગ કરતો હતો, પરંતુ હવે પૈસા ખાતર દુકાન ચલાવી રહ્યો છે. અહીં વાત થઈ રહી છે ઉપુલ ચંદાનાની, જેને એક જમાનામાં શ્રીલંકાનો શાનદાર સ્પિનર માનવામાં આવતો હતો. તેની હાજરીમાં શ્રીલંકા ટીમે ૧૯૯૬માં ભારતમાં આયોજિત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ચંદાના હાલ પોતાના પરિવારનું પેટ ભરવા માટે સ્પોર્ટ્સ ગુડ્સની દુકાન ચલાવી રહ્યો છે.

ઉપુલની દુકાનનું નામ ‘ચંદાના ક્રિકેટ શોપ’ છે, જે કોલંબોના નોનડેસ્ક્રિપ્ટ ક્લબ પરિસરમાં આવેલી છે. દુકાનમાં ક્રિકેટની રમતના સામાન ઉપરાંત ટેબલ ટેનિસ, રેકેટ, જોગિંગ શૂઝ અને ટેનિસ બોલ પણ વેચવામાં આવે છે. ઉપુલની બોલિંગ કરિયરની વાત કરવામાં આવે તો તે ૧૬ ટેસ્ટ મેચ અને ૧૪૭ વન ડે મેચ રમ્યો છે. ૧૬ ટેસ્ટમાં તેણે ૩૭ વિકેટ અને ત્રણ વાર તેણે પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. આની સાથે એક વાર તેણે મેચમાં ૧૦ વિકેટ પણ ઝડપી છે. વન ડે કરિયરની ૧૪૭ મેચમાં ચંદાનાએ ૧૫૧ વિકેટ ઝડપી છે એટલું જ નહીં, તે બેટિંગ પણ સારી કરી લેતો હતો.

ઉપુલનો ખરાબ સમય ત્યારે શરૂ થયો, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ વર્ષ ૨૦૦૭માં અનૌપચારિક ઇન્ડિયન ક્રિકેટ લીગમાં જોડાવાનો નિર્ણય કર્યો. તેના પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત બોર્ડ સાથેના કોન્ટ્રાક્ટની રકમ પણ આપવામાં આવી નહોતી. ઉપુલે એક અંગ્રેજી અખબારને જણાવ્યું, ”એ મારો સૌથી મૂર્ખતાપૂર્ણ નિર્ણય હતો. પછીના વર્ષે જ તેમણે આઇપીએલ શરૂ કરી દીધી અને મારા ૬૦,૦૦૦ ડોલર હજુ પણ આપ્યા નથી.”

ઉપુલ ચંદાનાએ છેવટે સ્પોર્ટ્સના સામાનની દુકાન ખોલવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, ”આ વિસ્તારમાં ક્રિકેટ ક્લબ તો ઘણી બધી હતી, પરંતુ સારી દુકાનોની સંખ્યા બહુ જ ઓછી હતી. આથી મેં એક સ્ટોર ખોલવાનો નિર્ણય કર્યો.”

You might also like