મતગણતરીમાં મહિલા અનામત બાબતે મહિલાનો હોબાળો

728_90

અમદાવાદ: એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી તે દરમિયાનમાં એક મહિલા મતગણતરી એજન્ટે મહિલા અનામત મુદ્દે રૂમમાં હાજર રિટર્નિંગ ઓફિસર સાથે બોલાચાલી કરતાં મામલો ગરમાયો હતો.

ઓઢવ વોર્ડની મતગણતરી સમયે બોલાચાલી થતાં પોલીસે મતગણતરી એજન્ટ મહિલાની અટકાયત કરી હતી અને મતગણતરી પૂર્ણ થતાં તેઓને મુક્ત કર્યાં હતાં.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત કોલેજમાં ગઈ કાલે મતગણતરી ચાલી રહી હતી. દરમિયાનમાં બપોરે ત્રણ વાગ્યે ઓઢવ વોર્ડની મતગણતરી ચાલી રહી હતી ત્યારે રૂમ નં.૧૧માં હાજર રિટર્નિંગ ઓફિસર સાથે મતગણતરી એજન્ટ રૂપલબહેન ચિરાગભાઈ શર્મા (ઉ.વ.૨૮, રહે. રામદેવકૃપા સોસાયટી, ઓઢવ)એ મહિલા અનામત ન આપવા બાબતે બોલાચાલી કરી હતી. મતગણતરી સમયે મતગણતરી એજન્ટ મહિલા દ્વારા જ બોલાચાલી કરાતાં મામલો ગરમાયો હતો.

રૂમમાં હાજર એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. એસ.એન. પટેલ અને અન્ય પોલીસકર્મીઓ ત્યાં દોડી આવ્યા હતા અને મહિલાની અટકાયત કરી તેઓને પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતાં. મતગણતરી પૂ્ર્ણ થયા બાદ તેઓને મુક્ત કરાયાં હતાં.

You might also like
728_90