યુપીના સાત પેટ્રોલ પંપ પર રેડઃ ઓછું ઇંધણ ભરી રોજની ૫૦ હજારની કમાણી

લખનૌ: એસટીએફની ટીમે લખનૌમાં કાલે રાત્રે સાત પેટ્રોલ પંપ પર રેડ પાડી છે. તપાસમાં જાણવા મળ્યું કે અહીં કસ્ટમર્સને અોછું પેટ્રોલ અાપવામાં અાવતું હતું. પેટ્રોલ પંપમાં ચિપ, રિમોટ કનેક્ટ કરીને અા બાબતને અંજામ અપાતો હતો.

કસ્ટમર્સને એક લિટરમાં ૫૦થી ૬૦ એમએલ સુધી અોછું પેટ્રોલ અાપવામાં અાવતું હતું. એક પેટ્રોલ પંપ અા ચોરીથી રોજ એવરેજ ૪૦થી ૫૦ હજાર રૂપિયા અને મહિનામાં ૧૨થી ૧૫ લાખની કમાણી કરતો હતો. પકડાયેલા એક અારોપીઅે જણાવ્યું કે એક હજારથી વધુ પેટ્રોલ પંપ પર ચિપ લગાવાઈ છે.

એસટીએફઅે અા પેટ્રોલ પંપ પર રેડ પાડીને ઘણાં મશીન સીલ કરી દીધાં છે. રેડની કાર્યવાહીમાં ડિસ્ટ્રિકટ એડમિનિસ્ટ્રેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ, અોઈલ કંપનીઅોના રિપ્રેઝન્ટેટિવ અને માપતોલ ડિપાર્ટમેન્ટના અધિકારીઅો સામેલ હતા. અા દરમિયાન પેટ્રોલ પંપના મશીનમાં તેલ ચોરી માટે લગાવાયેલી ચિપ અને રિમોટ મળી અાવ્યા છે.

એસએસપી એસટીએફ અમિત પાઠકે જણાવ્યું કે પેટ્રોલ અોછું અાપવાની અા રમતમાં એક મોટી ગેંગનો હાથ છે, જેણે યુપી ઉપરાંત અન્ય રાજ્યમાં પણ પેટ્રોલ પંપ પર ચિપ અને રિમોટ લગાવ્યા છે. એસટીએફઅે અા ગેંગ સાથે જોડાયેલ રાજેન્દ્ર નામની એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેણે પૂછપરછમાં લખનૌના સાત પેટ્રોલ પંપમાં ચિપ અને રિમોર્ટ કન્ટ્રોલ લગાવ્યાની વાત કબૂલી છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પંપના અા ખેલમાં બેથી ત્રણ લોકો સામેલ રહેતા હતા. એક વ્યક્તિ પેટ્રોલ નાખે અને બીજી વ્યક્તિ કેશની બેગ લઈને ઊભી રહે. બેગ લઈને ઊભી રહેનારી વ્યક્તિ પૈસાની સાથે રિમોટ રાખતી હતી. મોકો મળે ત્યારે રિમોટ દબાવીને નંબર બદલી નાખતી.

http://sambhaavnews.com/

You might also like