UPમાં મોદીની આંધી સુનામીમાં ફેરવાઈ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી જારી છે અને અત્યાર સુધીમાં મોટા ભાગની બેઠકોના પ્રવાહ સ્પષ્ટ થઈ ગયા છે. આ ચૂંટણીની મતગણતરીના પ્રવાહો પરથી સ્પષ્ટ છે કે ઉત્તર પ્રદેશમાં મોદીની આંધી સુનામીમાં બદલાઈ ગઈ છે અને ઉત્તર પ્રદેશમાં ભાજપ ત્રણ ચતુર્થાંશ સાથે વિજય તરફ આગળ વધી રહ્યો છે જે વાસ્તવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહા વિજય છે. ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં ૩૨ વર્ષમાં પ્રથમ વખત કોઈ એક પક્ષને આટલી વધુ બેઠક મળનાર છે.

ઉત્તર પ્રદેશ સાથે ઉત્તરાખંડમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે પંજાબના મતદારોએ કેપ્ટન અમરીંદરસિંહને બર્થ ડેની વિજય સ્વરૂપે ભેટ આપી છે. પંજાબમાં કોંગ્રેસ ૭૨ બેઠકો પર સરસાઈ સાથે વિજય તરફ આગળ વધી રહી છે. પંજાબ માટે વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવતા આમ આદમી પાર્ટી (આપ) ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ છે.

ગોવામાં અત્યાર સુધી અત્યાર સુધી ૨૩ બેઠકની મત ગણતરીના પ્રવાહો મળ્યા છે. જેમાં કોંગ્રેસ-૧૧ અને ભાજપ-આઠ બેઠક પર આગળ છે અન્ય પક્ષો ચાર બેઠકો પર આગળ છે અને બાકીની ૧૭ બેઠકની મતગણતરીના પ્રવાહોની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. મણિપુરમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કશ્મકશ ચાલી રહી છે. ભાજપ – ૧૪ અને કોંગ્રેસ-૧૨ બેઠક પર આગળ છે, જ્યારે એક બેઠક પર અન્ય પક્ષ આગળ છે.

ઉત્તર પ્રદેશમાં ૧૫ વર્ષ બાદ ભાજપનો વનવાસ સમાપ્ત થશે અને સત્તા પર વાપસી કરશે. ઉત્તરાખંડમાં પણ ભાજપને બહુમતી મળી ચૂકી છે. નોટબંધીના નિર્ણય બાદ આ પાંચ રાજ્યનાં પરિણામો ભાજપ અને નરેન્દ્ર મોદી માટે મહત્ત્વના માનવામાં આવતાં હતાં. પંજાબમાં કોંગ્રેસને બહુમતી મળી ચૂકી છે. મણિપુરમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કસોકસ મુકાબલો છે. ગોવામાં કોંગ્રેસ તો મણિપુરમાં ભાજપ આગળ છે.

ઉત્તર પ્રદેશમાં આ લખાઈ રહ્યું છે ત્યારે ભાજપ ૩૦૫ બેઠક પર આગળ છે, તેને ત્રણ ચતુર્થાંશ બહુમતીથી (૩૦૨) વધુ બહુમતી મળી ચૂકી છે. સપા-કોંગ્રેસ ગઠબંધન ૬૮, બસપા ૧૯ બેઠક પર આગળ છે. અન્ય પક્ષો- ઉમેદવાર ૧૧ બેઠક પર આગળ છે. મતગણતરીના પ્રવાહ પરથી ભાજપે ૧૯૯૧ની વિધાનસભાની ચૂંટણીનાે રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. એ વખતે ભાજપને ૨૨૧ બેઠક મળી હતી. ભાજપ યુપીમાં ૧૯૮૫થી ચૂંટણી લડી રહ્યો છે, પ્રથમ ચૂંટણીમાં ભાજપને યુપીમાં ૧૬ બેઠક મળી હતી. જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ-૩૨૮ વિધાનસભા બેઠક પર આગળ હતો.

વડા પ્રધાન મોદીએ અમિત શાહને ફોન કરીને યુપીની ભવ્ય જીતનો શ્રેય આપ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની રણનીતિ તૈયાર કરનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ફોન કરીને ઉત્તર પ્રદેશની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવીને તેમને આ જીતનો શ્રેય આપ્યો હતો. દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉત્તર પ્રદેશમાં ભાજપને મળેલી ભવ્ય જીત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને આભારી હોવાનું જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપના ભવ્ય દેખાવ બાદ ગુજરાત ભાજપના કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો અને જીતના સમાચારની સાથે જ કોબા ખાતેના ‘કમલમ’માં કાર્યકરોએ આતશબાજી કરીને જીતને વધાવી લીધી હતી અને એકબીજાનાં મોં મીઠાં કરાવ્યા હતાં. ભાજપના કાર્યકરોએ અમદાવાદમાં વિજયી સરઘસ કાઢી જીતની ઉજવણી કરી હતી.
http://sambhaavnews.com/

You might also like