ઉત્તર પ્રદેશના સિંહાસને કોણ બિરાજશે? કેશવપ્રસાદ મૌર્ય સૌથી મોખરે

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં એક્ઝિટ પોલનાં પરિણામો જાહેર થયા બાદ ભાજપનો વનવાસ સમાપ્ત થવાની વાતો શરૂ થવાની સાથે ભાજપ જો યુપીમાં સત્તાના શિખર પર પહોંચશે તો ઉત્તર પ્રદેશમાં કોણ મુખ્યપ્રધાન બનશે તેની અટકળો શરૂ થઇ ગઇ હતી. ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો યશ આમ તો મોદી મેજિકને જાય છે અને ત્યાર બાદ અમિત શાહની સંગઠનક્ષમતા બીજી સફળતા છે. હવે સવાલ એ છે કે ભાજપમાં મુખ્યપ્રધાનપદ માટે કોણ કોણ સબળ દાવેદાર છે.

આ પ્રશ્નના અનેક ઉત્તર છે. કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહા, ભાજપના વરિષ્ઠ નેતા યોગી આદિત્યનાથ, દિનેશ શર્મા સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ મૌર્ય મુખ્યપ્રધાનપદના દાવેદારમાં સૌથી આગળ છે. તમામ ચર્ચાઓ અને પરિબળો જોતાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનનો કળશ કેશવ મૌર્યના માથે ઢોળવામાં આવે તો નવાઇ નહીં.

સવર્ણ નેતાઓમાં કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહા, યોગી આદિત્યનાથ અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિનેશ શર્માનાં નામ આગળ છે, જ્યારે પછાતવર્ગમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ મૌર્યનું નામ મોખરે છે. આમ તો કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહાનું પલ્લું પણ ભારે છે, કારણ કે તેઓ ભાજપના પ્રમુખ અમિત શાહની સૌથી નિકટ છે અને હિંદુત્વના પરિબળના આધારે વિચારીએ તો યોગી આદિત્યનાથનું નામ પણ મુખ્યપ્રધાનપદના દાવેદારમાં સામેલ છે. યોગી આદિત્યનાથ પોતાની વિચારધારા અને પૂર્વાંચલમાં હિંદુત્વના ચહેરાના કારણે પક્ષ અધ્યક્ષ અમિત શાહના અત્યંત લોકપ્રિય છે, જ્યારે દિનેશ શર્મા ભાજપનો બ્રાહ્મણ ચહેરો છે અને બુદ્ધિજીવી નેતા તરીકે ઓળખાય છે.

ઉત્તર પ્રદેશમાં રાજ્ય સ્તરે નેતાઓમાં સીએમની રેસમાં કોઇ વિવાદ ઊભો ન થાય તે માટે કેન્દ્રમાંથી રાજનાથસિંહને પણ સીએમ તરીકે મોકલી શકાય તેમ છે.

યુપીમાં દલિત કે ઓબીસીને મુખ્યપ્રધાન બનાવવા જોઈએઃ સાક્ષી મહારાજ
યુપીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી રહી છે ત્યારે ભાજપ તરફથી મુખ્યપ્રધાનના નામ અંગે હાલ વિવિધ અટકળો ચાલી રહી છે. ભાજપના નેતા સાક્ષી મહારાજે જણાવ્યું છે કે યુપીમાં આ વખતે દલિત અથવા ઓબીસી વર્ગમાંથી કોઈ એકને મુખ્યપ્રધાન બનાવવા જોઈએ. યુપીમાં 22 ટકા દલિત સમાજના લોકો, 27 ટકા પછાતવર્ગના લોકો છે તેથી આ વખતે ભાજપે યુપીમાં આ બે વર્ગમાંથી એક વર્ગના વિજેતા ઉમેદવારને મુખ્યપ્રધાન બનાવવા જોઈએ તેવી માગણી સાક્ષી મહારાજે કરી છે, જોકે આ અંગે પ્રતિક્રિયા આપતાં ભાજપના પ્રવક્તા અમન સિંહાએ જણાવ્યું કે મુખ્યપ્રધાનની પસંદગી કરવાનો નિર્ણય ભાજપ સંસદીય બોર્ડ કરશે. તેથી આ અંગે આવતી કાલે ભાજપની બેઠક મળશે તેમાં ભાજપ તરફથી યુપીના મુખ્યપ્રધાનની પસંદગી કરવામાં આવશે, જોકે સાક્ષી મહારાજે આ બે વર્ગમાંથી કોઈ એકની મુખ્યપ્રધાન તરીકે પસંદગી કરવી જોઈએ તેવી માગણી કરી છે.

http://sambhaavnews.com/

You might also like