UP સરકાર તાળાંથી લઈને કપડાં પર પોતાની યોજનાઓ પ્રમોટ કરશે

લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સરકારના શાસનનું એક વર્ષ પૂરું થઈ ગયું છે ત્યારે આ એક વર્ષના શાસનમાં યોગીએ રાજ્યની જનતા માટે કેવાં વિકાસલક્ષી કામ કર્યાં છે તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે, જેમાં વન ડિસ્ટ્રિકટ-વન પ્રોડક્ટ નવી બોટલમાં જૂના દારૂ સમાન હોવાની ચર્ચા ચાલી રહી છે.

યુપી સરકારને એક વર્ષ પૂરું થયું છે ત્યારે સરકારે દાવો કર્યો છે કે એક વર્ષના શાસનમાં યુપીને ગુજરાત જેવા આર્થિક વિકાસના આંકડા રજૂ કરવાની દિશામાં યોગી સરકારે રાજ્યના દરેક શહેરમાંથી ક્ષે‌િત્રય અને પરંપરાગત ઉત્પાદનને દેશ અને વિદેશમાં નવી ઓળખ આપવા અને તેને બ્રાન્ડ તરીકે બહાર લાવવા ખાસ યોજના તૈયાર કરી છે.

આ યોજના હેઠળ દરેક શહેરની જાણીતી ચીજો વિશ્વભરમાં પ્રમોટ કરવામાં આ‍વશે. આ યોજનામાં લખનૌના ચિકનના કુરતા, સૂટ, સલવાર, સાડી, અલીગઢનાં તાળાં, બનારસી સાડીઓ, મુરાદાબાદનું પિત્તળ, ફિરોઝાબાદની બંગડી સહિત અન્ય જિલ્લાની જાણીતી ચીજો સામેલ છે. યોગી સરકારની આ યોજનાને વન ડિસ્ટ્રિકટ-વન પ્રોડક્ટના નામથી ઓળખવામાં આવશે.

આ અંગે સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે સરકારની કોશિશ એ રહી છે કે રાજ્યના ઉત્પાદકો અને અન્ય સાહસિકોને બહાર લાવવા તેમનું સારી રીતે માર્કેટિંગ કરવામાં આવશે. આ માટે સંબંધિત જિલ્લાનાં પરંપરાગત ઉત્પાદનને પ્રમોટ કરવા સ્થાનિક સ્તરે હબ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત વન ડિસ્ટ્રિકટ-વન પ્રોડક્ટ સ્કીમ હેઠળ રાજ્ય સરકાર અલગ અલગ જિલ્લામાં લુપ્ત થઈ રહેલા નાના-મધ્યમ અને પરંપરાગત ઉદ્યોગોને સમગ્ર વિશ્વમાં ફેલાવવાની તૈયારી ચાલી રહી છે.

You might also like