યુપી સરકારે આંબેડકર પરિનિર્વાણ દિનની રજા રદ કરતાં વિવાદ સર્જાયો

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડો. ભીમરાવ આંબેડકરના પરિનિર્વાણ દિવસ એટલે કે છઠ્ઠી ડિસેમ્બરની રજા રદ કરવાના નિર્ણયથી ભારે વિવાદ ઊભો થયો છે. આ અંગે જિલ્લા અધિકારીએ પત્ર પાઠવી સંબંધિત તમામ વિભાગો અને શાળાઓને જાણકારી આપી દીધી છે.

બાબા સાહેબ આંબેડકરનું છ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ નિધન થયું હતું. અને ત્યારથી દર વર્ષે તેમની પુણ્યતિથિ એટલે છ ડિસેમ્બરે તેમને શ્રદ્ધાંજલિ આપવા મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવે છે. અને આ દિવસે યુપીમાં સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા રહે છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ રજા રદ કરવા નિર્ણય કરીને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આવી ૧૫ જાહેર રજા રદ કરી છે.

અને સરકારે આવી રજાઓ રદ કરી જે તે રજાના દિવસે શાળાઓમાં ચર્ચા. પરિચર્ચા અને નિબંધ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓને આવી મહાન હસ્તીઓ અંગે જાણકારી પૂરી પાડીને તેમને આવા મહાન લોકોના જીવન અંગેનુ શિક્ષણ પૂરું પાડવા પ્રયાસ કરી રહી છે. જોકે યોગી સરકારે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં શૈક્ષણિક સત્રમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આવી રજાઓ રદ કરીને તે દિવસે બે કલાકના વિશેષ કાર્યક્રમનું આયોજન કરી બાળકોને તે અંગે શિક્ષણ આપવા સરકાર પ્રયાસ કરી રહી છે. જોકે હાલ આ મુદે રાજ્યના દલિતોમાં વિરોધ થઈ રહ્યો છે.

You might also like