યુપીમાં સરકારી કર્મચારીઓ માટે હવે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

લખનૌ: યુપીના મુખ્યપ્રધાને સરકારી કચેરીઓમાં કામગીરી વધુ અસરકારક બનાવવા અને કર્મચારીઓ નિયમિત બને તે માટે સરકારી કર્મચારીઓ માટે નવો આદેશ આપતાં જણાવ્યું છે કે હવે યુપીની તમામ સરકારી કચેરીઓમાં બોયમેટ્રિકથી કર્મચારીઓની હાજરી ફરજિયાત ભરવાની રહેશે.અને આ મુજબ તમામ કચેરીઓને પાલન કરવાનું રહેશે.

ગઈ કાલે શાસ્ત્રી ભવનમાં રાજ્યના પ્રધાનો, મુખ્ય સચિવ અને સચિવો સાથેની બેઠકમાં મુખ્યપ્રધાન આદિત્યનાથે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ તેમની ફરજમાં નિયમિત બને તે માટે તમામ કચેરીઓમાં બાયોમેટ્રિક પ્રથાથી હાજરી ભરવાની રહેશે. તેમજ સચિવાલયમાં પ્રવેશ બાબતે પણ કેટલાક ખાસ નિયમ બનાવવા આદેશ આપ્યો હતો. તેમજ સચિવાલયની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા આદેશ આપ્યો હતો. યોગીએ દલાલ અને ખોટી પ્રવૃત્તિ કરતા લોકોને સચિવાલયમાં પ્રવેશતા અટકાવવાની બાબત પર પણ ખાસ ભાર મુક્યો હતો. તેમણે કાંશીરામ આવાસ યોજનાના અધૂરા આવાસોનું કામ પૂરું કરવા પર ખાસ ભાર મૂકતા રાજ્યમાં ગરીબો માટે નવી યોજનાઓ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં જે રીતે તબીબોની ગેરહાજરી જોવા મળી રહી છે તે અંગે નારાજગી વ્યકત કરી રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ અંગે ખાસ નવી વ્યવસ્થા ઊભી કરશે તેમ જણાવ્યું હતું.

યોગીએ આગામી 15 જૂન સુધીમાં પૂર બચાવ કામગીરી અંગેની તૈયારી પૂરી કરી દેવા આદેશ આપ્યો છે તેમજ અછતગ્રસ્ત બુંદેલખંડ વિસ્તાર માટે ખાસ પેકેજ તૈયાર કરવા પર ભાર મુક્યો છે. તેમજ રાહત બચાવ કામગીરીમાં સામેલ માફિયા ઠેકેદારોના રજિસ્ટ્રેશન રદ કરવા ખાસ ભાર મુક્યો હતો. તેમજ સરકાર આગામી 100 દિવસમાં રાજ્યની જનતાને મળી તેમની સમસ્યા જાણી તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું.

યુપીના મુખ્યપ્રધાને દરેક કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવા, જનતાની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ લાવવા, આરેગ્યલક્ષી સુવિધામાં વધારો કરવા, જેનરિક દવાઓના નવા 3000 સ્ટોર ખોલવા, ઘઉંની ખરીદી માટેની વ્યવસ્થા વધુ પારદર્શી બનાવવા, તમામ સહકારી સમિતિઓને પુનઃજીવિત કરવા, ગેરકાયદે ખનન બદલ ડીએમ અને એસપીને સીધા જવાબદાર ગણવા સહિતની અન્ય બાબતો પર ખાસ અમલ કરવા આદેશ આપ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like