હવે હોર્લિક્સ, નોર અને ચિંગ્સના નૂડલ્સની ક્વોલિટી પણ ખરાબ નીકળી

મુંબઈ: મેગી બાદ હવે બીજી કંપનીઓના નૂડલ્સ પણ ખરાબ ક્વોલિટીનાં સાબિત થયા છે. ઉત્તરપ્રદેશના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટની તપાસમાં ત્રણ કંપનીઓના નૂડલ્સમાં રાખ (એશ) નક્કી કરેલી લિમિટ કરતાં વધુ માત્રામાં મળી અાવી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નેસ્લેની મેગીનાં સેમ્પલ પણ યુપીમાં થયેલા ટેસ્ટમાં ફેલ થયા હતા. ત્યારબાદ મેગી પર પ્રતિબંધ મુકાયો હતો.

યુપીના બારાબંકી જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર સંજયસિંહે જણાવ્યું કે ગયા મહિને એક મોલમાંથી નોર સૂપી નૂડલ્સ, હોર્લિક્સ ફૂડલ્સ અને ચિંગ્સ હોટ ગાર્લિક ઈન્સ્ટન્ટ નૂડલ્સનાં સેમ્પલ લેવાયાં હતાં, તેને તપાસ માટે લખનૌની લેબમાં મોકલાયાં હતાં. તેનો રિપોર્ટ બે અઠવાડિયાં પહેલાં અાવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ટેસ્ટમેકરમાં રાખની માત્રા નક્કી કરેલી લિમિટથી વધુ છે.

ઉલ્લેખનીય છે કે રાખનું પ્રમાણ એક ટકાથી વધુ ન હોવું જોઈએ. પરંતુ ત્રણેય પ્રોડક્ટમાં તે વધુ હતું. તપાસના અાધારે ત્રણેય પ્રોડક્ટ બનાવનારી કંપનીને અઠવાડિયાં પહેલાં નોટિસ મોકલાઈ તેમની પાસે એક મહિનામાં જવાબ મગાયો છે. જીએસકે કન્ઝ્યુમર હેલ્થકેરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે એફએસએસએઅાઈની મંજૂરીના અાધારે નૂડલ્સ બનાવીએ છીએ બજારમાં જે ફૂડલ્સ મળે છે તે અા જ અાધારે તૈયાર કરાય છે. નોર નૂડલ્સ બનાવનારી કંપની હિન્દુસ્તાન યુનિલિવરના પ્રવક્તાએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશ ફૂડ સેફ્ટી ઓથોરિટીનું એ કહેવું ખોટું છે કે અમારી પ્રોડક્ટ સબ સ્ટાન્ડર્ડ છે. અમે અા અંગે રેગ્યુલેટર સામે વાત કરીશું.  ગયા વર્ષે ઉત્તરપ્રદેશના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં મેગી નૂડલ્સમાં લેડ અને એમએસજીની વધુ માત્રા મળી હતી.

You might also like