યુપી ઇલેક્શનઃ ટિકિટ જોઈઅે તો પાસ કરવી પડશે રાહુલની પરીક્ષા

નવી દિલ્હી: યુપીમાં સત્તા મેળવવા માટે સતત પ્રયોગ કરી રહેલી કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીઅોમાં ટિકિટના દાવેદારોને પરખ્યા બાદ જ મેદાનમાં ઉતારાશે. ટિકિટ મેળવવા ઇચ્છતા લોકોઅે સૌથી પહેલા પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પરીક્ષામાં પાસ થવું પડશે. ૨૯ જુલાઈના રોજ લખનૌમાં રાહુલના સંવાદ કાર્યક્રમમાં ૪૦૩ બેઠકો માટે ચૂંટણી લડવાની ઇચ્છા રાખનાર લગભગ ૯૫૦૦ દાવેદારોને પહોંચવાનો હાઈ કમાન્ડે અાદેશ કર્યો છે.

યુપીમાં કોંગ્રેસે પોતાની સમગ્ર ટીમ બદલ્યા બાદ હવે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. પહેલા સ્ટેજમાં યુપીમાં ૨૭ દિવસ ચાલનારી રથયાત્રામાં વધુમાં વધુ લોકો કવર કરી શકાય તે હેતુ છે. ૨૯ જુલાઈના રોજ લખનૌમાં કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ છે. તેમાં યુપીની ૪૦૩ બેઠકો માટે અરજી કરનાર ૯૫૦૦ લોકોને અામંત્રણ અપાયું છે.

દર વર્ષે અા કાર્યક્રમમાં સામેલ થવા માટે અત્યારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રાહુલ ગાંધી અા બધાને વ્યક્તિગત મળશે. પાર્ટીનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ રાહુલ અા લોકોને કેટલાક સવાલ પણ કરશે. એક રીતે રાહુલ તેની પરીક્ષા લેશે. રાહુલની પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિને ટિકિટ મેળવવામાં મદદ મળશે.

કોંગ્રેસ હાલમાં ડિસેમ્બર મહિનામાં જ ચૂંટણી સમજીને પહેલા સ્ટેજમાં લગભગ ૩૦૦ બેઠકો પર ઉમેદવારોનું નામ ફાઈનલ કરવાની રણનીતિ પર કામ કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે ૨૯મી તારીખે નામ ફાઈનલ નહીં થાય પરંતુ સ્ક્રીનિંગ કમિટીમાં થનારી પસંદગીમાં જરૂર મદદ મળશે.

અા વખતે પાર્ટી મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. માત્ર જિલ્લા અધ્યક્ષો તરફથી મોકલાયેલી પેનલ પર અાંખો બંધ કરીને વિશ્વાસ નહીં કરાય. જિલ્લા અધ્યક્ષોને એમ પણ કહેવાયું છે કે તેઅો પેનલમાં સામેલ નામ અંગે વિસ્તારથી જણાવે કે તેમની પસંદગી શા માટે કરાઈ છે.

You might also like