યુપીમાં પાંચમા તબક્કાનું મતદાન: અવધેશ પ્રસાદના કાફલા પર હુમલો

લખનૌ: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના મતવિસ્તાર અમેઠી સહિત 11 જિલ્લાની 51 સીટ માટે મતદાન જારી છે ત્યારે ફૈઝાબાદની મ્લિકીપુર સીટના સપાના ઉમેદવાર અને અખિલેશ સરકારના કેબિનેટ પ્રધાન અવધેશ પ્રસાદની ગાડીના કાફલા પર હુમલો થયો છે, જેમાં ભાજપના નવ કાર્યકરોની ધરપકડ કરવામા આવી છે.

આ તબક્કાના મતદાનમાં ૬૧૭ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થવાનો છે. આ તબક્કાના મતદાનમાં અખિલેશ સરકારના નવ પ્રધાનની પ્રતિષ્ઠા દાવ પર છે. ગાયત્રી પ્રજાપતિએ મતદાન બાદ દાવો કર્યો હતો કે અખિલેશ ફરી મુખ્યપ્રધાન બનશે અને અમે ૫૦ હજાર મતથી વિજેતા થઈશું. આજે જે મતદાન થઈ રહ્યું છે તેમાં અમેઠી સીટના ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ, અયોધ્યાના પવન પાંડે, અકબરપુરના રામમૂર્તિ, ગૈંસડી સીટના શિવ પ્રતાપ યાદવ અને ભટેરા સીટના યાસર શાહની પ્રતિષ્ઠા દાવ પર છે.

૧૧ જિલ્લામાં હાલ મતદાન ચાલી રહ્યું છે. ભાજપ માટે આ રાજ્યમાં સત્તા મેળવવાનો અને સપા માટે સત્તા ટકાવી રાખવાનો પડકાર છે. તે રીતે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. સપા આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહી છે, તેમાં ૧૪ સીટ પર કોંગ્રેસના ઉમેદવારો છે. અખિલેશ સરકારના પ્રધાન અવધેશ પ્રસાદની કાર પર ગઈ કાલે રાતે હુમલો થતાં આ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી, જોકે આ મામલે ભાજપના નવ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે.

અમેઠીમાં બે રાણીઓ અને વજીર વચ્ચે મુકાબલો
આ તબક્કાના મતદાનમાં અમેઠીની સીટ પર બે રાણીઓ અને વજીર વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. આ બેઠક પર સપાના પ્રધાન અને મુલાયમસિંહના માનીતા ગાયત્રી પ્રજાપતિ ચૂંટણી લડી રહ્યા છે, પણ તેમની સામે ગેંગ રેપના આરોપ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અમિતાસિંહ કરતાં તેમના પતિ ડોક્ટર સંજયસિંહ માટે ચૂંટણી જીતવી જરૂરી છે, કારણ આ સીટ પરના પરિણામ બાદ તેમનું દિલ્હીમાં કેટલું કદ છે તે નક્કી થશે. પ્રિયંકાના નજીકના ગણાતા અમિતાસિંહને અંતિમ દિવસે ઉંમેદવારીપત્ર ભરાવ્યું હતું. જ્યારે બીજી તરફ ભાજપના ઉમેદવાર ગરિમાસિંહ માટે પણ આ ચૂંટણી પરિવારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. તે રીતે આ બેઠક પર બે રાણીઓ અને વજીર વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like