યુપીમાં ભાજપની ‘ગુજરાતવાળી’ કેટલી કારગર નીવડશે?

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઇ ચૂક્યો છે. મુખ્ય રાજકીય પક્ષો કોઇ પણ હિસાબે ચૂંટણી જીતવાના વ્યૂહમાં પોતપોતાના પાસાંઓ ખેલી રહ્યા છે. હાલમાં જેની સત્તા છે તે સમાજવાદી પાર્ટીમાં બાપ-દીકરા વચ્ચે જ ‘યુદ્ધ’ ખેલાઇ ગયું અને તેમાં પુત્ર અખિલેશે પિતા મુલાયમસિંહને સ્પષ્ટ માત આપ્યા બાદ કેટલાકે અખિલેશને ભલે પિતા સામે બળવો પોકારનાર ઔરંગઝેબ સાથે સરખાવ્યા પરંતુ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ સુધી સારું શાસન આપનાર અખિલેશની ઇમેજ રાજ્યમાં ઘણી સારી છે. મુલાયમસિંહને મોટાભાગે લોકોએ હસી કાઢ્યા છે. છેલ્લે ચૂંટણીપંચનો સાઇકલના નિશાન માટેનો નિર્ણય પણ અખિલેશની તરફેણમાં આવતા હાલ પૂરતું કહી શકાય કે સપાની અંતિમ લડાઇનો વિષય હવે પૂરો થયો છે.

બીજો મુખ્ય પક્ષ કોંગ્રેસ પોતાના બળ પર સરકાર રચી શકે તેમ ન હોવાથી અખિલેશ સાથે ચૂંટણી સમજૂતી કરવાની વ્યૂહરચના પર સક્રિય છે. નીતીશકુમાર સાથે બિહારમાં અને નરેન્દ્ર મોદી સાથે લોકસભાની ચૂંટણીમાં સફળ ગણાતા રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર ઉત્તરપ્રદેશની ચૂંટણી બાબતે રાહુલ ગાંધી સાથે છે. ભલે સત્તાવાર જાહેરાત ન થઇ હોય, પરંતુ ઉત્તરપ્રદેશમાં વગદાર વર્તુળોના જણાવ્યા અનુસાર પ્રશાંત કિશોર છેલ્લા ઘણા સમયથી અખિલેશના સંપર્કમાં હતા. કોંગ્રેસ અખિલેશ પાસે કમ સે કમ ૧૫૦ બેઠકો ઇચ્છે છે અને તેથી જ કદાચ હજુ સુધી કોંગ્રેસે તેના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર નથી કરી.

બહુજન સમાજવાદી પાર્ટી એકલે હાથે જ ચૂંટણી લડશે અને તેણે પોતાના ઉમેદવારો ક્યારનાય જાહેર કરી દીધા  છે. સૌથી વધુ મહત્ત્વનો પક્ષ ભાજપ છે. અખિલેશે પાંચ વર્ષ સુધી શાસન કર્યું છે એટલે એન્ટિ ઇન્કમ્બન્સીનો લાભ ભાજપને મળશે તેવું ભાજપ માને છે અને ઉ.પ્ર.માં પરિવર્તન માટે ભાજપે પૂરી તૈયારી કરી છે.

ભારતીય જનતા પક્ષે પોતાના ઉમેદવારોની જે પ્રથમ યાદી જાહેર કરી છે તેનો વિગતવાર અભ્યાસ કરીએ તો સીધું સમજાય  છે કે ‘બહારી’ ઉમેદવારોને મેદાનમાં ઉતારીને ચૂંટણી જીતવા માટેની ગુજરાતમાં સફળ થયેલી વ્યૂહરચના જ અમલમાં મૂકી છે. જે ઉમેદવારો પોતાના બળે ચૂંટણી જીતી શકે તેવો હોય તે ગમે તેવો હોય તો પણ ભાજપ માટે સ્વીકાર્ય છે. એટલું જ નહીં, વર્ષોથી પક્ષને વફાદાર રહેલા, સફળ નીવડેલા કે કાર્યદક્ષ ઉમેદવારોથી પણ વધુ ‘આવકાર્ય’ છે. પ્રથમ યાદીમાં જ બે ડઝનથી વધુ ઉમેદવારો બીજા પક્ષના દેખાય છે.

કેટલાંક ઉદાહરણો જોઇએ તો બેહરમાં બસપામાંથી આવેલા ધારાસભ્ય મહાવીર રાણા, નકુડમાં ધર્મસિંહ સૈની, નહટૌરસુમાં ઓમકુમાર, તિલહરથી રોશનલાલ વર્મા, થૌરહરામાં બાલાપ્રસાદ અવસ્થી, પલીયામાં રોમી સાહની, ગંગોહમાં કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય પ્રદીપ ચૌધરી, બરૌલીમાં રાષ્ટ્રીય લોકદળમાંથી આવેલા દલવીર સિંહ અને બલદેવ સુરક્ષિતના ધારાસભ્ય પૂરણપ્રકાશ જેવા ધારાસભ્યોને પાટલી બદલીને ભાજપમાં આવવાનું ઇનામ મળી ગયું છે. એ જ રીતે બસપામાંથી આવેલાં ભૂતપૂર્વ મંત્રી ઓમવતી દેવી, કિઠૌરમાં રાષ્ટ્રીય લોકદળમાંથી આવેલા સત્યવીર ત્યાગી, બાગપતમાં યોગેશ ધામા, મુરાદનગરમાં સમાજવાદી પાર્ટીમાંથી આવેલા ભૂતપૂર્વ મંત્રી રાજપાલ ત્યાગીના પુત્ર અજિતપાલ ત્યાગી, ધૌલાનામાં કોંગ્રેસમાંથી આવેલા રમેશ તોમર અને ગોલા ગોકર્ણનાથમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ ગીરી, શિકારપુરમાં બસપામાંથી આવેલા અનિલ શર્મા, છાતામાં બસપાના ભૂતપૂર્વ મંત્રી ચૌધરી લક્ષ્મીનારાયણ અને શિકોહાબાદમાં ડૉ. મુકેશ વર્માને ટિકિટ મળી ગઇ છે. પ્રથમ યાદી જ આ રીતની છે ત્યારે ભાજપની ચૂંટણી જીતવાની સ્ટ્રેટેજી સમજાય છે કે વિચારધારા કે મોદીલહેર પર મદાર ઓછો રખાયો છે. આવું થવાથી ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓમાં મોટી નિરાશા વ્યાપી છે.

You might also like