જન રક્ષા યાત્રા અંતર્ગત CM યોગી આદિત્યનાથ કેરળ જવા રવાના

કન્નુર: દેશમાં કેરળ જ એક એવું રાજ્ય છે કે જ્યાંનાં રાજકારણમાં હિન્દુત્વનો મુદો જોવા મળ્યો નથી. ત્યારે આ રાજ્યમાં ભાજપ આવા એજન્ડા સાથે આજથી જન રક્ષા યાત્રા શરૂ કરી રહ્યો છે. જે અંતર્ગત આજે યુપીના મુખ્યપ્રધાન આ યાત્રા કેરળમાં શરૂ કરવા નીકળી ગયા છે. આદિત્યનાથ કિચેરીથી કન્નુર સુધી પદયાત્રા કરશે. આ યાત્રા ભાજપનાં શકિત પ્રદર્શન સમાન સાબિત થઈ શકે તેમ છે. તેથી ભાજપને આશા છે કે આ યાત્રા થકી પક્ષને આ રાજ્યમાં પણ હિન્દુત્વના મુદે સારો પ્રતિસાદ મળી રહેશે.

ભાજપ આ રાજ્યમાં ભાજપ અને આરએસએસના કાર્યકરોની કથિત હત્યાના વિરોધમાં ઝુંબેશ ચલાવી રહ્યું છે.ભાજપનું કહેવું છે કે તેના ૧૨૦થી વધુ લોકોની લેફટ કાર્યકરોએ હત્યા કરી છે. કન્નુર રાજ્યના મુખ્યપ્રધાન પી. વિજયનનો ગૃહ જિલ્લો છે. યોગી આદિત્યનાથ આજે ત્યાં પહોંચવાના છે. અને યાત્રામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે કાર્યક્રમમાં સામેલ થશે. યોગી આ યાત્રામાં સામેલ થનારા એકમાત્ર મુખ્યપ્રધાન છે. એવુ જાણવા મળે છે કે ભાજપ આ રાજ્યમાં પણ હિન્દુત્વ લાઈન પર ચાલીને સીપીએમ સામે ધ્રુવીકરણ કરવા માગે છે. ભાજપ સતત એવા આક્ષેપ કરી રહ્યો છે કે સત્તાધારી લેફટ અહીં ઈસ્લામિક કટ્ટરવાદ અને હિંસાને લઈને નરમ વલણ અપનાવે છે.આ યાત્રાનો હેતુ લેફટ પર આ મુદો છાવરવાનો છે.

બીજી તરફ યોગી આદિત્યનાથની વાત કરીએ તો તેમની છબિ એક કટ્ટર ભગવા નેતા તરીકેની છે. તેમનામાં ભીડને એકત્ર કરવાની આવડત છે. જોકે તેમને કેરળ બોલાવવા પાછળનું કારણ આ એક જ નથી.પણ આ રાજ્યમાં ભાજપના નેતાઓને હજુ જોઈએ તેવી સફળતા મળી નથી. અને તેઓ તેમના વિસ્તારમાં જ સીમિત રહ્યા છે તેથી ભાજપનું આ રાજ્યમાં જોર વધે તે માટે યોગી આદિત્યનાથને આ યાત્રામાં સામેલ કરવામાં આવ્યા છે.

You might also like