યુપીના CM પદ માટેની કશ્મકશ વચ્ચે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ

લખનૌ, શનિવાર
ઉત્તર પ્રદેશમાં નવા મુખ્યપ્રધાન કોણ બનશે તે અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ અકબંધ રહ્યું છે. અહેવાલો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર પ્રદેશમાં છેલ્લી ઘડીએ સીએમના નામ અંગે કોઈ પણ ચોંકાવનારી જાહેરાત કરી શકે છે. શરૂઆતમાં એવા અહેવાલો હતા કે ઉત્તર પ્રદેશના નવા મુખ્યપ્રધાન તરીકે કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહાની વરણી નિશ્ચિત છે. તેઓ મુખ્યપ્રધાનપદે બિરાજમાન થાય તે પહેલાં આજે સવારે કાળભૈરવના મંદિરમાં દર્શન માટે ગયા હતા. ત્યારબાદ વિશ્વનાથ મંદિર અને સંકટમોચનનાં પણ દર્શન કર્યાં હતાં, પરંતુ ત્યાર બાદ મનોજ સિંહાએ સ્વયં ચોંકાવનારું નિવેદન જારી કર્યું હતું કે હું સીએમની રેસમાં નથી.
આ ઉપરાંત કેશવપ્રસાદ મૌર્યના ટેકેદારો અમિત શાહના નિવાસસ્થાને ધસી ગયા હતા અને તેમને મુખ્યપ્રધાન બનાવવા જોરદાર રજૂઆત કરી હતી. બીજી બાજુ યોગી આદિત્યનાથના ટેકેદારો પણ તેમને મુખ્યપ્રધાન બનાવવા રજૂઆત કરી રહ્યા છે. આમ, મુખ્યપ્રધાનપદ માટે ચાલી રહેલી કશ્મકશ વચ્ચે મોદી અને અમિત શાહ છેલ્લી ઘડીએ કોઈ ચોંકાવનારી જાહેરાત કરે તો નવાઈ નહીં.
ઉત્તર પ્રદેશમાં સીએમ પદ માટેની રેસમાં મનોજ સિંહા ઉપરાંત કેશવપ્રસાદ મૌર્ય, યોગી આદિત્યનાથ, િદનેશ શર્મા, સિદ્ધાર્થનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ હોવાના અહેવાલો છે અને આજે સાંજે ૪.૦૦ વાગ્યે લખનૌ ખાતે મળનારી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ઉત્તર પ્રદેશના સીએમ માટે સત્તાવાર નામની જાહેરાત થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મનોજ સિંહાના નામને પીએમઓ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે ત્યારે આજે સાંજે યોજાનારી ભાજપ વિધાયક દળની બેઠકમાં તેની ઔપચારિક જાહેરાત થશે અને આવતી કાલે વડા પ્રધાન મોદીની હાજરીમાં તેઓ શપથગ્રહણ કરશે.
આ સમારોહમાં 50 હજાર લોકો હાજરી આપે તેવી સંભાવના છે. મનોજ સિંહાના નામ પર સહમતી સધાઈ હોવાની માહિતી સંઘને પણ આપવામાં આવી છે. ગાઝીપુરના સાંસદ મનોજ સિંહા કેન્દ્રમાં રેલવે રાજ્યપ્રધાન છે. આઈઆઈટી બીએચયુમાંથી એન્જિનિયરીંગમાં સ્નાતક થયેલા મનોજ સિંહા વિદ્યાર્થી નેતા તરીકે પણ સક્રિય હતા.
મનોજ સિંહાને મોદી અને આરએસએસ સાથે સારા સંબંધ છે, જ્યારે મોદી આરએસએસના પ્રચારક હતા ત્યારે તેઓ મનોજ સિંહાના ગામ આવતા-જતા રહેતા હતા અને મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મનોજ સિંહાનો પ્રચાર કરવા ગાઝીપુર જતા હતા.

You might also like