યુપીમાં બમ્પર જીત બાદ બીજા પક્ષના નેતાઓ માટે ભાજપના દરવાજા બંધ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત બાદ હવે બીજા પક્ષના નેતાઓ માટે ભાજપે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. છ મહિના સુધી બીજા પક્ષના નેતાઓને ભાજપમાં પ્રવેશ મળશે નહીં. ભાજપના ઉત્તર પ્રદેશ એકમમાં સ્થાન મેળવવાનું વિચારી રહેલા બીજા પક્ષના નેતાઓને ઓછામાં ઓછા આગામી છ મહિના સુધી ભાજપમાં એન્ટ્રી મળશે નહીં.

ભાજપના ટોચના નેતાઓએ રાજ્ય એકમોને સૂચનાઓ જારી કરી છે કે તેઓ આગામી આદેશ સુધી બીજા પક્ષના નેતાઓને પક્ષમાં સામેલ કરવાનું બંધ કરે અને બીજા પક્ષના નેતાઓને ભાજપમાં પ્રવેશ માટે મનાઈ ફરમાવે. પક્ષ સૂત્રોના જણાવ્યા અનુસાર બીજા પક્ષના કેટલાય નેતાઓ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓથી લઈને રાજ્ય અને જિલ્લા એકમો સુધીના નેતાઓને વિનંતી કરી રહ્યા છે કે તેમને ભાજપમાં પ્રવેશ આપવામાં આવે, પરંતુ હવે ભાજપ હાઈકમાન્ડે છ મહિના સુધી અન્ય પક્ષોના નેતાઓને ભાજપમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

ભાજપમાં પ્રવેશવાંછુ મોટા ભાગના નેતાઓમાં જિલ્લા પંચાયતોના પ્રમુખો, બ્લોક પ્રમુખો, નગર પંચાયતોના વડાઓ અને નગરપાલિકા પરિષદોના અધ્યક્ષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં વિધાનસભા ચૂંટણી હારનારા કેટલાક નેતાઓએ પણ ભાજપના દરવાજા ખટખટાવવાના શરૂ કર્યા છે. આ અંગે ભાજપના રાજ્ય પ્રવકતા ચંદ્રમોહને જણાવ્યું છે કે ભાજપે હવે એવો નિર્ણય કર્યો છે કે બીજા પક્ષના નેતાઓએ બીજો આદેશ ન થાય ત્યાં સુધી ભાજપમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે સામાન્ય લોકો પક્ષના સભ્યપદ માટે પક્ષના ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ કરી શકે છે, પરંતુ બીજા પક્ષના પદાધિકારીઓને ભાજપમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં.

http://sambhaavnews.com/

You might also like