ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે કોંગ્રેસે ૮૦ ઉમેદવારનાં નામ નક્કી કર્યાં

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તેના લગભગ 80 ઉમેદવારનાં નામ નક્કી કરી લીધાં હોવાનું જાણવા મળે છે, જોકે પાર્ટી આવાં નામની હાલ સત્તાવાર જાહેરાત નહિ કરે, તેના માટે પક્ષ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છે. એવું જાણવા મળે છે કે કોંગ્રેસના જે સંભવિત ઉમેદવારનાં નામ નક્કી કરવામાં આવ્યાં છે તે પ્રિયંકા ગાંધીની ભલામણથી નક્કી થયાં છે.

યુપીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે. તેમ છતાં કોંગ્રેસમાં આ અંગે અત્યારથી જ તડામાર તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીની 403 સીટ પૈકી અંદાજે 80 સીટ માટે સંભવિત ઉમેદવારનાં નામ નક્કી થઈ ગયાં છે, જોકે એક માહિતી અનુસાર આ ઉમેદવારોનાં નામ અંગે હાલ કોઈ પણ નેતા અથવા અધિકારી બોલવા તૈયાર નથી.

બળવો થવાના ભયથી નામ નક્કી કરાયાં
યુપીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે. તેમ છતાં પાર્ટી તેની જે 80 સીટ મજબૂત માની રહી છે તેના માટે ઉમેદવારનાં નામ નક્કી કરી નાખ્યાં છે. આની પાછળ પક્ષને કદાચ બળવો થાય તો તેને ખાળી શકાય તે હેતુથી આ સીટ માટેના ઉમેદવારનાં નામ નક્કી કરી નાખ્યાં છે અને બળવો કરી શકે તેવા ઉમેદવારોને બીજી પાર્ટીમાં જવાની તક મળી રહે તે આશયથી આ નામ નક્કી કરવામાં આવ્યાં છે.

પ્રશાંત કિશોરની ખાસ ભૂમિકા
આ અંગે જાણવા મળે છે કે યુપીની 80 સીટ માટે જે ઉમેદવારનાં નામ નક્કી થયાં છે તેની પાછળ પ્રશાંત કિશોરની ખાસ ભૂમિકા રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે રાજ્યના સંગઠન સાથે મંત્રણા બાદ પ્રભારી ગુલામ નબી આઝાદ સાથે પ્રિયંકાએ ચર્ચા-વિચારણા કર્યા બાદ 80 ઉમેદવારનાં નામ નક્કી કરવામાં આવ્યાં છે અને આ યાદી પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ મંજૂરીની મહોર લગાવી દીધી છે.

વિજેતા ઉમેદવાર, જાતી સમીકરણ પર ભાર
કોંગ્રેસે જે 80 ઉમેદવારનાં નામ નક્કી કર્યાં છે તેમાં વિજેતા ઉમેદવારો અને ખાસ કરીને જાતી સમીકરણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને આ યાદીમાં લગભગ તમામ મજબૂત ઉમેદવારનાં જ નામ રજૂ કરવામાં આવ્યાં છે.

You might also like