અણગમતી વાતોનો ગુણાકાર થતો રહે ત્યારે

ગમવું ન ગમવું કે નારાજગી થવી કે દુઃખી થવું એની સમજ નાની ઉંમર હોય ત્યારે ખાસ કોઈ કેળવાઈ નથી હોતી. મોટા થતાં જઈએ તેમતેમ અનેક સારી-ખરાબ વાતો-વિચારો અને સમજ કે નાસમજ આપણામાં કેળવાતી જાય છે. મા-બાપના સંસ્કાર, મિત્રો, શાળાના વાતાવરણથી માંડીને અનેક વાતો આપણાં અસ્તિત્વ સાથે જાણે-અજાણે એવી રીતે જોડાઈ જાય છે કે, આપણાં વર્તનમાં રિફલેક્ટ થતું રહે છે.

જીદ કરીને પોતાનું ધાર્યું કરાવવું એક અલગ વાત છે અને પોતાનું ધાર્યું ન થાય કે પોતાની ગણતરીઓ સવળી ન પડે ત્યારે મન દુઃખી થઈ જાય છે. એમાં પણ કોઈ વ્યક્તિ લાગણીથી જોડાયેલી હોય અને એ તમારી ઇચ્છા પ્રમાણે ન વર્તે ત્યારે તો અસ્તિત્વ સૌથી વધુ ડિસ્ટર્બ્ડ હોય છે.

ટીનેજ બાળકોના પિતા સમીરની આ વાત છે. એને બે દીકરા છે. એક કૉલેજના બીજા વર્ષમાં ભણે છે તો એક દસમા ધોરણમાં ભણે છે. બંને બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. સ્માર્ટ ફોન વાપરે છે. પોતાના મિત્રો સાથે વધુ સમય ગાળે છે. સાથે ભણતી છોકરીને પોતાના રૂમમાં લઈ જતી વખતે એને વિચાર નથી આવતો કે કોઈની દીકરીને આમ ભણવા માટે પણ રૂમમાં ન લઈ જવાય. બુક્સ કરતાં સ્માર્ટ ફોન પર વધુ સમય વિતાવે છે. ઘરમાં મોટાભાગે પૂછવામાં આવે ત્યારે જ વાત કરે છે. સામેથી કોઈ વાત મા-બાપ સાથે શૅર કરવી એમને ગમતી નથી. મા-બાપના મિત્રો અને એ મિત્રોનાં સંતાનો સાથે ખાસ દોસ્તી કેળવવામાં એમને કોઈ રસ નથી. બસ, એમને પોતાની દુનિયામાં જ મસ્ત રહેવું છે.

આ સમીરની ફરિયાદોનું લિસ્ટ છે. આગળ એ ઉમેરે છે કે, હું જ્યારે ભણતો હતો ત્યારે મને પપ્પા સામે તો શું ઘરમાં પણ સાથે ભણતી છોકરીને લઈ આવવાની છૂટ ન હતી. ઘરમાં એક જ ટેલિફોન હતો પણ મિત્રોને કદી ફોન કરીને હોમવર્ક કે પ્રોજેક્ટનું કંઈ પૂછવા માટે એ ફોન વાપરવાની હિંમત ન થતી. ટેલિવિઝન પર પપ્પા જે ચેનલ જુએ એ જ ચેનલ જોવાની. શેરીમાં રમવા જવાનો સમય પણ ફિક્સ હતો. મમ્મી-પપ્પા અમને અલગઅલગ વિષયો ભણાવતાં. પપ્પાની સામે બોલવાનું તો બહુ દૂરની વાત હતી. કઈ લાઈનમાં આગળ ભણવું કે કઈ કૉલેજમાં એડમિશન લેવું એ પણ અમારી મરજી પ્રમાણે ન થતું.

પોતાની હાલતને યાદ કરીને સમીર સતત બંને દીકરાઓનો વાંક જ જોતો રહે છે. પોતે કેવી રીતે ઉછર્યો એ વાતને જ ગાયે રાખે છે. અત્યારે હાલત એવી છે કે, સમીરના બંને દીકરા એના જ પપ્પાની વાતોથી કંટાળી ગયા છે. કોઈ જ નવી વાત ઉચ્ચારતાં પહેલાં એ બંને દીકરા સો વખત વિચાર કરે છે કે, પપ્પા વળી એના બાળપણનું પુરાણ માંડશે. બંને દીકરા અને પિતા વચ્ચે કમ્યુનિકેશન નહીં કરવાની ખાઈ વધી જ રહી છે. સમીર કહે છે, મારાં સંતાનો મારું માનતાં નથી. હજુ આગળ ભણીને કમાવા માંડશે ત્યારે તો શું કરશે મારી મજાલ ન હતી કે મારા પિતાનું કહેલું હું ન માનું.

પોતાનાં જ સંતાનો માટે સમીરને ફરિયાદો જ જીભે ચડે છે. પોતે પિતાનું માનીને જ મોટો થયો છે એ દ્રઢ માન્યતા સમીરના મનમાં એટલી ઘર કરી ગઈ છે કે, પોતાનાં જ સંતાનોની સહજ એવી અનેક વાતો, વિચારો, વર્તન, સ્વભાવ એના માટે અણગમતી વાત બની ગયાં છે. એ વાતને એ હંમેશાં ઘૂંટ્યે જ રાખે છે કે એનાં સંતાનો એની જેમ નથી વર્તન કરતાં. પિતાની એમને કંઈ પડી જ નથી. સંતાનો એને પીડા જ આપે છે.

હકીકત એ છે કે આજની પેઢીને તમે પોતે ઉછર્યાં એ જ રીતે ઉછેરવી એ સૌથી મોટી ભૂલ છે. માહિતી અને ઈન્ટરનેટનો ખજાનો તેમને હાથવગો છે. ગમે તેટલો કંટ્રોલ કરશો તો પણ એ તમારા કાબૂમાં રહે એ વાત જ ભૂલભરેલી છે. અણગમતી વાત કે વર્તનનો સતત ગુણાકાર થતો રહે તો તેનો ભાગાકાર કરવાની આવડત કેળવવી એ જ આનો ઉપાય છે. સતત ઘૂંટ્યે રાખવાથી વાત વધુ વિકાર પામશે. આથી તેને પ્રેમથી અને સાચવવામાં ને સમજવામાં જ સહજતા છે. દરેક પેઢી એની જૂની પેઢીથી જુદી હોવાની, આથી મા-બાપ જેમ ઉછર્યાં તેમ સંતાનો ઉછરે એ માનવું અને સંતાનો પાસે એવા જ વર્તનની અપેક્ષા રાખવી એ વધુ પડતું છે.

જ્યોતિ ઉનડકટ

You might also like