અસ્પૃશ્યતાની સમસ્યા હજુય સતાવે છે

હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થિની આત્મહત્યાથી સામાજિક ભેદભાવનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ઉછળ્યો છે. દેશમાં સામાજિક સમરસતાની ખાઈ વધુને વધુ ઉંડી બની રહી છે. ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળથી સમૃદ્ધ થયેલું ગુજરાત પણ સામાજિક સમાનતા બાબતે જોજનો દૂર છે. રાજ્યમાં રોજગારીની તકો ચોક્કસ વધી છે, પરંતુ અસ્પૃશ્યતામાં ઘટાડો થયો નથી. કેટલાંક ગામોમાં તો આઝાદી સમયે દલિતોની જે સ્થિતિ હતી તે આજેય જળવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

ભ્રમ અને સત્યની વચ્ચે પિસાયેલા ભારતનું ચિત્ર ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, યૂથ ઈન્ડિયા જેવાં ભ્રામકો દ્વારા વિશ્વભરમાં ઉજાગર કરવામાં આવી રહ્યું છે, પરંતુ સો ટકાનું સત્ય એ છે કે ભારત આજે પણ ધર્મ, પ્રાંત, ભાષા અને જાતિવાદના ચકરડામાંથી બહાર નીકળી શક્યું નથી. આપણા દેશમાં એક અજાણી વ્યક્તિ બીજાને મળે ત્યારે ત્રીજો પ્રશ્ન એ હોય છે કે તમે કઈ જ્ઞાતિના છો? માત્ર વ્યક્તિએ વ્યક્તિએ નહીં પણ સમાજના વાડાથી લઈને શિક્ષણની સુવાસ પાથરનારાં વિશ્વવિદ્યાલયોમાં પણ આ દંભના વાડાઓ જોવા મળે છે. અસ્પૃશ્યતા નિવારણ થવાને બદલે લોકોનાં મગજમાં ઘર કરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

હૈદરાબાદ યુનિવર્સિટીના સ્કૉલર સ્ટુડન્ટ રોહિત વેમુલાની આત્મહત્યાએ આ બાબતને ઉજાગર કરી. તેની આત્મહત્યાનો કિસ્સો ચર્ચાની એરણે ચઢ્યો છે. કેટલાંક તેને સામાજિક અસમાનતાની રીતે મૂલવી રહ્યાં છે તો કેટલાંક વળી આ મુદ્દે રાજકીય રોટલો શેકવા માંડ્યા છે. એક દલિત વિદ્યાર્થી સાથે થયેલો ભેદભાવ કેટલો અસહ્ય હશે કે તેણે જીવનને ટૂંકાવી નાખવાનું પસંદ કર્યું.

રોહિતે સ્યૂસાઈડ નોટમાં પોતાના મોત માટે કોઈને જવાબદાર ગણ્યા નથી, પરંતુ આવા પ્રતિભાશાળી યુવાનને આત્મહત્યા કરવી પડી એ ચિંતાનું કારણ છે. હજી આ મુદ્દો શાંત પડ્યો નથી ત્યાં આંધ્રપ્રદેશના વિજયવાડાના અન્ય એક દલિત વિદ્યાર્થી પુવાલા પ્રેમ કુમારે પણ પોતાના પ્રાણ ટુંકાવી દીધા હતાં. આ મુદ્દાના મુળમાં શું હશે તે પછીનો વિષય છે, પરંતુ દેશનું માનસ દલિતોને ઘૃણાસ્પદ નજરે જુએ છે અને દેશના ખૂણેખૂણે અસ્પૃશ્યતા ખદબદે છે તે એક હકીકત છે. અગ્રેસર, વાઇબ્રન્ટ કે ગતિશીલ ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. અસ્પૃશ્યતા મુદ્દે ‘અભિયાને’ જાતતપાસ કરી ત્યારે ગુજરાતના અનેક પ્રગતિશીલ વિસ્તારોમાં માનવતાને હચમચાવી દે તેવા ભેદભાવના કિસ્સા સામે આવ્યા હતા.

ગુજરાતમાં અસ્પૃશ્યતા નિવારણના દાવા થઈ રહ્યા છે, પરંતુ હજુય કેટલાંક ગામો એવાં છે જ્યાં સામાજિક અસમરસતાના દાખલા જોવા મળે છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું મેડાઆદરજ ગામ સમૃદ્ધ ગામ સ્ટ્રીટલાઈટ, રોડ-રસ્તા, પાણી, શાળા અને આરોગ્યની સુવિધાઓ સાથે સમૃદ્ધ ગામની છાપ ધરાવે છે. ગામમાં શિક્ષણનું સ્તર ૮૦ ટકા હોવા છતાં અહીં હજુ અસ્પૃશ્યતા જોવા મળે છે. ગામમાં ૨૫૦ જેટલાં દલિતોનાં ઘર છે. ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને નર્મદા કેનાલ વડે ૭૦ ટકા પિયતનો લાભ પણ ગામને મળી રહે છે. જોકે દલિત કુટુંબોને પીવાના તથા સિંચાઈના પાણી માટે આભડછેટનો પ્રશ્ન નડી રહ્યો છે.

ગામના સામાજિક ઉત્સવોમાં પણ દલિત પરિવારો ભાગ લઈ શકતા નથી. નવરાત્રિ દરમિયાન ગરબે રમવા ગયેલી દલિત પરિવારની એક દીકરીને અસ્પૃશ્યતાનો કડવો અનુભવ થયો હતો. આ અંગે ચંચળબહેન વણકર કહે છે, “ગામમાં અંબાજી માતાનું મંદિર છે. અહીં દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી મૂકીને ગરબા રમાય છે. મારી પૌત્રી પણ ગરબા રમવા ગઈ હતી. ગરબાના અંતે લહાણીમાં તેનું નામ આવ્યું ત્યારે તે દલિત હોવાની જાણ થતાં અનેક લોકોએ મેણાં-ટોણાં મારીને હવે પછી અહીં ગરબે રમવાની ના પાડી દીધી હતી.”

સરપંચને પણ કડવો અનુભવ
માત્ર નાના પરિવારો જ આભડછેટનો ભોગ બનતાં હોય એવું નથી. આવો કડવો અનુભવ ગામના પૂર્વ સરપંચને પણ થઈ ચૂક્યો છે. મેડાઆદરજ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અનામત સીટ પર કાંતિભાઈ ચાવડા સરપંચ તરીકે ચૂંટાયા હતા. જોકે તેઓ દલિત હોઈ ગ્રામ પંચાયતની કચેરીમાં સરપંચની ખુરશી પર બેસવા માટે તેમને ઘણી મથામણ કરવી પડી હતી. સરપંચ બન્યાના છ માસ બાદ ગામલોકોએ તેમને સરપંચની ખુરશીમાં બેસવા માટે સ્વીકાર્યા હતા. આ બાબત શાંત પડ્યા પછી પણ તેમને બીજો કડવો અનુભવ થયો હતો.

ગામમાં દર વર્ષે આસો સુદ ચૌદસે માતાજીને રથમાં ગામની પ્રદક્ષિણા કરાવવાની પરંપરા છે. આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઊજવાય છે. ગામના અંબાજી મંદિરનો વહીવટ પંચાયત હસ્તક હોઈ માતાજીનો રથ ખેંચવાની શરૃઆત સરપંચના હસ્તે કરવામાં આવે છે, પરંતુ કાંતિભાઈ દલિત સરપંચ હોવાથી તેમને આ પરંપરાગત વિધિમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ અંગે તેઓ કહે છે, “પહેલાં ગામના ઉકરડા હતા ત્યાં દલિતોને મકાન બાંધવા જગ્યા ફાળવાઈ હતી. આ બાબતે ગામના દલિતો-બિનદલિતો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો અને દલિત પરિવારોને મારીને ગામની બહાર કાઢી મુકાયા હતા.

આ વિવાદે મોટા ઝઘડાનું રૃપ ધારણ કરતાં તે વખતે રાયોટ્સના ગુના પણ નોંધાયા હતા. માતાજીનો રથ હું ખેંચું તો બિનદલિતો ઉશ્કેરાય અને વિવાદ ઉગ્ર ન બને એ વાતને ધ્યાને લઈને મેં મારા સરપંચના કાર્યકાળ દરમિયાન રથ ખેંચવાની વિધિ ટાળી હતી. ગામના મંંદિરમાં દલિત પરિવારે દાન કર્યું હોય તો તે પાછા આપ્યાના પણ દાખલા છે. અમારી સાથે આવું બને છે એટલે જ અમે મંદિરથી દૂર રહીએ છીએ.”

અસ્પૃશ્યતાની વાતનો બચાવ કરતાં ગ્રામ પંચાયતમાં પટ્ટાવાળા તરીકે કામ કરતાં ગોવિંદભાઈ ઠાકોર કહે છે, “માતાજીનો રથ સરપંચ ખેંચે તેવી ગામની પરંપરા છે, પરંતુ કેટલાંક વર્ષોથી રથ ખેંચવાની વિધિ માતાજીના ભૂવા દ્વારા પણ કરવામાં આવે છે, એટલે સરપંચના હાથે રથ નહીં ખેંચાયો હોય એવું બની શકે.”

પૂજાવિધિ માટે નોખાં શિવલિંગ
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના જાખલા ગામમાં પણ અસ્પૃશ્યતાના દાખલા જોવા મળે છે. લગભગ ૩પ૦૦ની વસતી ધરાવતા જાખલામાં ૪૫ જેટલાં ઘર દલિતોનાં છે. શ્રાવણ માસમાં ગામની દીકરીઓ વિવિધ વ્રતો કરે ત્યારે ગામના શિવમંદિરમાં પૂજારી દ્વારા પૂજન કરવામાં આવે છે, પરંતુ ગામની દલિત દીકરીઓને અલગ પૂજન કરવા માટે સૂચવી દેવાય છે. આ અંગે ગામનાં શિલ્પાબહેન રોહિત કહે છે, “વ્રતની પૂર્ણાહુતિ વખતે શિવપૂજન કરવા જતી દલિત દીકરીઓને પૂજારી દ્વારા મંદિરમાં જતી અટકાવાય છે અને મંદિર બહાર માટીનાં લિંગ પર પૂજા કરવાની સૂચના આપી દેવાય છે.”

નનામી માટે માથાકૂટ
જાખલા ગામમાં કોઈ દલિતના મૃત્યુ વખતે પણ અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે. જાખલા ગ્રામ પંચાયતને નડિયાદના સંતરામ મંદિર ટ્રસ્ટ તરફથી સ્ટીલની નનામી મળેલી છે. ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે આ નનામીનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે ગામની કોઈ દલિત વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેમને લાકડાની નનામી બનાવીને તેનો ઉપયોગ કરવો પડે છે. ગામની દલિત મહિલા ધનીબહેન રોહિતનું ૬૫ વર્ષે અવસાન થયું ત્યારે ગ્રામપંચાયત પાસે સ્ટીલની નનામી લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ અંગે એ.એસ.પટેલ આર્ટ્સ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ગામના દલિત ગોરધનભાઈ રોહિત કહે છે, “ધનીબહેનના મૃત્યુ વખતે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોઈ લાકડાની નનામી પોસાય તેમ ન હોવાથી ગ્રામપંચાયત હસ્તકની નનામી લેવા ગયો ત્યારે કેટલાંક ગામલોકોએ વિરોધ કર્યો હતો. બે-ત્રણ કલાકની આજીજી છતાં નનામી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. અંતે પોલીસ ફરિયાદ અને સંતરામ મંદિરને જાણ કરવાની વાત કરી એટલે નનામી આપી. આ ઘટના બાદ ગામના બિનદલિતો કોઈના મૃત્યુ પ્રસંગે આ નનામીનો ઉપયોગ ન કરતાં બીજી તૈયાર નનામી વાપરે છે. આમ, અમારા પ્રત્યે અસ્પૃશ્યતા રખાય છે અને મેણાં-ટોણાં મારીને માનસિક ત્રાસ પણ અપાય છે.”

જોકે આ અંગે ગામનાં સરપંચ રમીલાબહેનના પતિ મગનભાઈ કહે છે, “અમારા ગામમાં કોઈ પણ પ્રકારની આભડછેટ નથી અને બધાં હળીમળીને રહે છે. દલિત પરિવારોને અમારા કૂવામાંથી પાણી પણ ભરવા દેવાય છે.”

દૂધનો પણ અસ્વીકાર
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ખલાડી ગામે દૂધ ડેરીમાં દૂધના સ્વીકાર અંગે દલિતોને અસ્પૃશ્યતાનો કડવો અનુભવ થયો હતો. ગામની દૂધમંડળીમાં વાલ્મીકિ સમાજના લોકોનું દૂધ ન સ્વીકારવા માટે તેમને વારંવાર હડધૂત કરાતાં હતા. ઘેટાં-બકરાંનું અને ભેળસેળવાળું દૂધ હોઈ ફેટ ઓછી મળતી હોવાનું બહાનું આગળ ધરીને વાલ્મીકિ સમાજના લોકોનું દૂધ ન સ્વીકારવા પરિપત્ર પણ બહાર પડાયો હતો. જેની સામે ગામના જશુભાઈ હરિજને લડત ચલાવી હતી. તેઓ કહે છે, “અમારા ગામની સાર્વજનિક દૂધમંડળીએ ફક્ત અમારા ૧૧ વાલ્મીકિ પરિવારનું દૂધ સ્વીકારવાનું બંધ કર્યું હતું. જે માટે અમે દૂધમંડળીના સેક્રેટરી કે હોદ્દેદારને રજૂઆત કરી તો અમને જાતિવાચક શબ્દો કહીને અપમાનિત કરાયા. મહુધા પોલીસ સ્ટેશનમાં મૌખિક રજૂઆત કરી પણ કોઈ ફેર ન પડ્યો એટલે પોસ્ટ દ્વારા રજિસ્ટર્ડ એડી કરીને ફરિયાદ નોંધાવાઈ, જેમાં તપાસ કરતાં અંતે સમાધાન થયું અને દૂધ સ્વીકારવાની શરૃઆત થઈ હતી.”

જોકે ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંં છેલ્લાં પાંચ વર્ષમાં અસ્પૃશ્યતાનો કોઈ કેસ નોંધાયો ન હોવાનું ખેડા ગ્રામ્યના એસ.સી, એસ.ટી સેલનાં નાયબ પોલીસ અધીક્ષક ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું.

અસ્પૃશ્યતાને લીધે ગામ છોડ્યું
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કુંડલ ગામે આજે પણ દલિતોને મંદિરમાં પ્રવેશ નથી. દલિત પરિવારો સહિત ગામલોકોના ફાળાથી તળાવ કાંઠે નવા નિર્માણ કરાયેલા મહાદેવના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે સમગ્ર ગામમાં જમણવારનું આયોજન કરવામાં આવેલું. આ વખતે દલિતો માટે અલગ જમણવાર રાખવામાં આવ્યો હતો. આ અંગે ગ્રામપંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડુંગરભાઈ મકવાણાએ મામલતદાર, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરીમાં લેખિતમાં રજૂઆત પણ કરી હતી.

‘નવસર્જન’ સંસ્થામાં ફિલ્ડવર્કર તરીકે કામ કરતાં સુરેશભાઈ જાદવેે મંદિર પ્રવેશ મુદ્દે સરપંંચ અને ગામના અન્ય આગેવાનો મળીને કુલ ૧૧ લોકો સામે સાણંદ પોલીસમથકમાં ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા પહેલાં આ ફરિયાદ લેવા આનાકાની કરાઈ હતી, પરંતુ સુરેશભાઈએ ઉચ્ચ કક્ષાએ જવાની તૈયારી દર્શાવી એટલે સરપંચ સહિતના આગેવાનોએ સુરેશભાઈ સાથે સમાધાનનો માર્ગ અપનાવીને ફરિયાદ પાછી ખેંચવા કહ્યું. જોકે સુરેશભાઈએ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ રજૂઆત કરતાં તેમની ફરિયાદ સ્વીકારવામાં આવી અને ૨૦૦૯માં અર્ધ લશ્કરી દળની ટુકડી સાથે સુરેશભાઈએ મંદિરમાં પ્રવેશ કર્યો. આ અંગે સુરેશભાઈ કહે છે, “લડત આપી એટલે મંદિર પ્રવેશ મળ્યો, પરંતુ ગામ છોડવું પડ્યું છે. હું છેલ્લાં પાંચ-છ વર્ષથી ગામમાં ગયો નથી અને મારી જમીનનું ધ્યાન પણ રાખી શકતો નથી. હાલમાં પણ કોર્ટકેસ ચાલુ જ છે. જોકે મેં મંદિર પ્રવેશ કરાવ્યો ત્યારથી મંદિરને તાળંુ મારી દેવાયું છે.”

આ બનાવ અંગે ગામનાં વર્તમાન સરપંચ ચંદ્રિકાબહેન પટેલ કહે છે, “મંદિર પ્રવેશ માટે દલિતોને અટકાવાયા તે વખતે વાઘાભાઈ પટેલ સરપંચપદે હતા. આ ઘટનાથી તેમને સરપંચપદેથી બરતરફ કરાયા હતા, પરંતુ ત્યાર પછીથી મંદિર બંધ નથી. રોજ પૂજાઅર્ચના થાય છે અને ગામમાં દલિતો તેમજ અન્ય પરિવારો હળીમળીને રહે છે.”

આ ઘટના બાદ છેલ્લાં પાંચ વર્ષમાં આ પ્રકારની એક પણ ફરિયાદ મળી ન હોવાનું સાણંદ ગ્રામ્યના એસ.સી., એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષક એ.એમ.પટેલે જણાવ્યું હતું.

નિવૃત્ત શિક્ષકને પણ અટકાવાયા
આવો જ કિસ્સો સાણંદ શહેરમાં પણ બન્યો હતો. સાણંદની નવદુર્ગા સોસાયટીમાં રહેતાં નિવૃત્ત સરકારી કર્મચારી ગોરધનભાઈ જાદવ તથા તેમનાં પત્ની અને નિવૃત્ત શિક્ષક ધનગૌરીબહેન ભવનાથ મંદિરમાં અવારનવાર બીલી ચઢાવવા જતાં હતાં. ગોરધનભાઈ દલિત હોવાની જાણ થતાં જ મંદિરના પૂજારીએ તેમને “આ મંદિર પ્રાઇવેટ હોઈ તમારે અહીં પ્રવેશ કરવો નહીં” તેમ જણાવી દીધું હતું. અસ્પૃશ્યતાનો શિકાર બનેલા ગોરધનભાઈએ આ બાબતે મંદિરના પૂજારી પર કેસ કર્યો છે. ધનગૌરીબહેન કહે છે, “અમે શાળામાં બાળકોને જ્ઞાન પિરસતાં જેમાં અસ્પૃશ્યતા નાબૂદીની વાતો કહેતાં, પરંતુ અહીં તો અમારે જ આવી સમસ્યાનો સામનો કરવો પડે છે.” ગોરધનભાઈનો કેસ હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે.
આ અંગે અમદાવાદ ગ્રામ્યના એસ.સી, એસ.ટી.સેલના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક તેજસ પટેલે કહ્યું કે, “આ મુદ્દે ગુનો નોંધાયો હતો અને ચાર્જશીટ પણ દાખલ કરાઈ હતી. હાલમાં આ મેટર કોર્ટમાં પેન્ડિંગ છે.”

ગુજરાતમાં અસ્પૃશ્યતાને લીધે દલિતોને મંદિરમાં પ્રવેશ ન અપાયો હોય તેવા કિસ્સામાં ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં બે તથા અમદાવાદ ગ્રામ્ય, આણંદ, રાજકોટ ગ્રામ્ય, મહીસાગર અને પાટણમાં એક ગુના નોંધાયાની માહિતી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારના પ્રશ્ન પર ગુજરાત વિધાનસભામાં આપવામાં આવી હતી.

અસ્પૃશ્યતા હજુય અકબંધ
દલિતોના હક્કો માટે કામ કરતી સંસ્થા ‘નવસર્જન’ દ્વારા ૨૦૧૦માં શાળામાં દલિત વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની અલગ વ્યવસ્થા, મધ્યાહ્ન ભોજન માટે દલિત બાળકોને અલગ બેસાડવાં, ખેતમજૂરી માટે દલિતોને કરાતું દબાણ, પંચાયતમાં પાણીના ગ્લાસ અને નાસ્તાની ડિશની અલગ વ્યવસ્થા, ગામડાંમાં દલિતોને પ્લાસ્ટિકના ગ્લાસમાં ચા-પાણી આપવાં, ગામના પ્રસંગે કે ઉજાણીમાં દલિતો માટે ભોજનની અલગ વ્યવસ્થા, દલિતોને રેશનકાર્ડનો પુરવઠો લેવા ચોક્કસ દિવસે જ જવું જેવા આભડછેટના વિવિધ મુદ્દે અભ્યાસ હાથ ધરાયો હતો. આ અભ્યાસમાં દર્શાવાયેલા મોટાભાગના મુદ્દાઓમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. આ અંગે સંસ્થાનાં ડાયરેક્ટર મંજુલા પ્રદીપ કહે છે, “સરવેમાં દલિતોની અસ્પૃશ્યતા અંગેનાં વિવિધ કારણો દર્શાવાયાં છે. દલિત- બિનદલિત વચ્ચે અસ્પૃશ્યતા હોય, પરંતુ દલિત-દલિત વચ્ચે પણ અસ્પૃશ્યતા જોવા મળે છે. જેમ કે, વાલ્મીકિ સમાજ માટે અન્ય દલિતો અસ્પૃશ્યતાસભર વ્યવહાર કરે છે. તેમના પ્રસંગો કે જમણવારમાં જવાનું ટાળીને એક પ્રકારનું અંતર દાખવતા હોય છે.”

ગાંધીજી દૃઢપણે માનતાં કે અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું અંગ નથી પણ એમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, તેનું નિવારણ કરવું એ પ્રત્યેક હિંદુનો ધર્મ છે.

આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ અસ્પૃશ્યતાનો મુદ્દો કનડી રહ્યો છે એ એક ગંભીર બાબત છે. સામાજિક સમાનતા ઊભી થાય તો સર્વે સમાજનો સર્વાંગી વિકાસ થઈ શકે. આ મુદ્દે સરકારે પણ યોગ્ય પગલાં લેવાં જોઈએ તેવી માગ ઊઠી રહી છે.

શું કહે છે અસ્પૃશ્યતાનો ઇતિહાસ?
આઝાદી પહેલાં દલિતો પર ખૂબ અત્યાચાર થતો હતો. ગાયકવાડી શાસન વખતે તેમાં ખૂબ જ પરિવર્તન આવ્યું અને સમાજને બેઠો કરવા અને અસ્પૃશ્યતા હટાવવા માટે દલિતોનાં બાળકોને શિક્ષણ આપવાની પણ જોગવાઈ કરાઈ. હાલમાં ગામડાં કરતાં શહેરોમાં સ્થિતિ ઘણી સારી છે. સૌરાષ્ટ્ર, ભાલ વિસ્તારનાં ગામડાંમાં આજે પણ અસ્પૃશ્યતા જોવાય છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. અરુણ વાઘેલા કહે છે, “હવે કાયદાની જોગવાઈ તથા ન્યાયંતત્રની મદદ મળી રહે છે. આમ છતાં ઘણાં લોકો લઘુતાગ્રંથિથી પીડાઈ રહ્યા છે. માનસિકતા ઘર કરી ગઈ હોવાથી હજુય અસ્પૃશ્યતા જોવા મળે છે.”

ગામના મંંદિરમાં દલિત પરિવારે દાન કર્યું હોય તો તે પાછા આપ્યાના પણ દાખલા છે. અમારી સાથે આવું બને છે એટલે જ અમે મંદિરથી દૂર રહીએ છીએ.
કાંતિભાઈ ચાવડા પૂર્વ સરપંચ, મેડાઆદરજ ગ્રામ પંચાયત

લડત આપી એટલે મંદિર પ્રવેશ મળ્યો, પરંતુ ગામ છોડવું પડ્યું છે. હું છેલ્લાં પાંચ-છ વર્ષથી ગામમાં ગયો નથી અને મારી જમીનનું ધ્યાન પણ રાખી શકતો નથી.
સુરેશભાઈ જાદવ ફિલ્ડવર્કર, ‘નવસર્જન’ સંસ્થા

શિવપૂજન કરવા જતી દલિત દીકરીઓને પૂજારી દ્વારા મંદિરમાં જતી અટકાવાય છે અને મંદિર બહાર માટીનાં લિંગ પર પૂજા કરવાની સૂચના આપી દેવાય છે
શિલ્પાબહેન રોહિત  જાખલા, તા. ઉમરેઠ

ગૌતમ શ્રીમાળી

You might also like