અધર્મીને મારવામાં થયેલો અધર્મ પણ ધર્મ જ છે

વાલીને એવું વરદાન હતું કે તેની સામે યુદ્ધમાં જે લડવા આવે તેની અડધી શક્તિ વાલીમાં આવી જાય. કદાચ અહીં રૂપકમાં એવું કહેવાયું હશે કે વાલી એટલો શક્તિશાળી હતો કે તેને જોતાં જ સામેના યોદ્ધાની અડધી શક્તિ ક્ષીણ થઇ જતી. વાલીને છુપાઈને મારવાનું એક કારણ આ પણ અપાય છે. કહેવાય છે કે રામે બ્રહ્માના આ વરદાનનું માન જળવાઈ રહે તે માટે તેને સામેથી ન માર્યો.

રામને મર્યાદાપુરુષોત્તમ કહેવાયા છે. તેેમણે રામાયણમાં અમુક પ્રસંગોને બાદ કરતાં હંમેશાં ધર્મની મર્યાદામાં રહીને આચરણ કર્યું છે, પરંતુ વાલીવધમાં તેમણે કૃષ્ણને ફાવે તેવું આચરણ કર્યું છે. વાલી જંગલરાજ ચલાવતો હતો અને રામે તેને મારવા પણ જંગલરાજનો જ રસ્તો અપનાવ્યો. વાલી મરતાં મરતાં રામને કહે છેઃ “રામ તમે આ શું કર્યું? મારું મુખ તમારી સામે ન હતું, હું સુગ્રીવ સાથે યુદ્ધ કરી રહ્યો હતો ને તમે પીઠ પાછળ ઘા કર્યો. એથી શું તમને વીરોની કીર્તિ સંપાદન થશે?”

વાલીએ રામને કહ્યું કે, “હે રામ, તમે સત્યાચરણી, પરાક્રમી, ધર્મશીલ, તેજસ્વી અને સન્માગે જનારા કહેવડાવો છો, છતાં હું બીજા સાથે યુદ્ધ કરવામાં રોકાયેલો હતો તેવામાં એક બાજુ ભરાઇ જઇ તમે મને બાણ માર્યું એ વાત ન્યાય છે? મેં તમારા રાજ્યમાં આવી તમારો કાંઇ પણ અપરાધ કર્યો નથી.

પાછળથી ભરાઇ રહીને શત્રુ પર પ્રહાર કરવો, પોતાની સાથે યુદ્ધ ન કરનારને મારવો એવું અધમ કૃત્ય કરી તમે સજ્જનોમાં શું મોઢું બતાવશો? હશે, જે થયું તે થયું. મારી પાછળ સુગ્રીવને ગાદીએ બેસાડજો. તમારું આ કૃત્ય નિંદ્ય છે, તથાપિ મારી પાછળ સુગ્રીવને ગાદી મળે એ વાજબી છે.”

આના જવાબમાં રામે કહ્યું: “ધર્માચરણ કાયમ રાખવા હું પૃથ્વી ઉપર ફરું છું. હાલ તું કામાંધ થઇ ધર્માચરણનો ત્યાગ કરી નિંદ્ય કર્મ કરતો હતો. બાપ, જ્યેષ્ઠબંધુ અને ગુરુ એ ત્રણેય પિતાના ઠેકાણે છે; પુત્ર, નાનો ભાઇ અને શિષ્ય એ ત્રણ પુત્રસ્થાને છે. તેં સજ્જનોનો ધર્મ છોડી પુત્રવધૂ સમાન સુગ્રીવની સ્ત્રી સાથે અધર્મ કર્યો છે.

તેના માટે તને મૃત્યુ સિવાય બીજી શિક્ષા યોગ્ય નથી. તને છુપાઇને મારવાનું કારણ એ જે કે તું વનચર પ્રાણી છે અને મૃગયાના નિયમ પ્રમાણે ધર્મિષ્ઠ રાજાઓ પણ પ્રાણીઓને સંતાઈ રહીને અથવા કપટથી ફસાવીને પણ મારે છે; માટે તેમ કરવામાં મેં કશો અધર્મ કર્યો નથી.”

વાલી વીરને છાજે એવી રીતે મૃત્યુને શરણ થયો. મરતાં પહેલાં એણે સુગ્રીવના ગળામાં પોતાની માળા પહેરાવી અને પોતાના પુત્ર અંગદની સંભાળ લેવા જણાવ્યું. રામે અંગદને યુવરાજપદે સ્થાપવા સુગ્રીવને આજ્ઞા કરી. વાલી વીરપુરુષ હતો. એના મરણથી રામ-લક્ષ્મણને દુ:ખ થયું. સુગ્રીવ અને બીજા વાનરોએ પણ શોક કર્યો.

વાલીની ઉત્તરક્રિયા થયા પછી કપિઓએ સુગ્રીવ અને અંગદનો રાજા અને યુવરાજ તરીકે અભિષેક કર્યો. કેટલાક દિવસ આનંદમાં ચાલ્યા ગયા. એટલામાં ચોમાસું આવી લાગવાથી રામ-લક્ષ્મણ એક ગુફામાં રહેવા લાગ્યા. ચોમાસું પણ પૂરું થયું પણ સુગ્રીવ તો ભોગવિલાસમાં પડી ગયો હતો.

એ રામને મદદ કરવાની પ્રતિજ્ઞા ભૂલી ગયો. રામ લક્ષ્મણ આથી ચિંતા કરવા લાગ્યા. એમને સુગ્રીવ ઉપર તિરસ્કાર છૂટ્યો. છેવટે એક દિવસ આકળા સ્વભાવનો લક્ષ્મણ ઊઠ્યો અને સીધો સુગ્રીવના દરબારમાં પહોંચ્યો. એણે સુગ્રીવને ધમકાવી કહ્યું: “તારી પ્રતિજ્ઞા પૂરી કર; નહિ તો યાદ રાખજે કે વાલી મરણ પામી જે માર્ગે ગયો છે તે માર્ગ હજુ બંધ થયો નથી.”

ત્યારબાદ સુગ્રીવની આંખો ખૂલે છે અને તે અને તેની વાનરસેના રામને મદદ કરે છે. કૃષ્ણે મહાભારતમાં હંમેશાં જેવા સાથે તેવાનો નિયમ અપનાવ્યો છે. તેમના મતે અધર્મીને મારવામાં થયેલો અધર્મ પણ ધર્મ જ છે, પછી એ દ્રોણવધ હોય, કર્ણવધ હોય કે પછી દુર્યોધનવધ હોય.

ભીમ જયારે દુર્યોધન સાથેના નિર્ણાયક યુદ્ધમાં દુર્યોધનને જાંઘ પર ગદાપ્રહાર કરીને હરાવે છે ત્યારે બલરામ ક્રોધિત થઈને ભીમને મારવા દોડે છે, પરંતુ કૃષ્ણ તેને અટકાવે છે અને પૂછે છે કે દુર્યોધન અને તેના ભાઈઓ જ્યારે અધર્મ આચરતા હતા ત્યારે તમે ક્યાં હતા? ત્યારે તમને ધર્મ નહોતો યાદ આવ્યો? દુર્યોધનને આ રીતે મારીને ભીમે કોઈ અધર્મ નથી કર્યો. કૃષ્ણના જે કૃત્ય આપણે સહેલાઈથી પચાવી શક્યા તે જ કૃત્ય રામને હાથે થાય તો આપણે કેમ પચાવી નથી શકતા?•

You might also like