ઊંઝા નગરપાલિકા પર અપક્ષનો કબજો

મહેસાણા: ઊંઝા પાલિકામાં અપક્ષોએ પોતાનું પ્રભુત્ત્વ બતાવ્યું છે. પ્રમુખપદે મીનાબેન પટેલ અને ઉપપ્રમુખ પદે રાકેશકુમાર પટેલ વિજયી બન્યા છે. પાટીદાર સમાજના ૧૮ સભ્યોએ ચૂંટણીમાં વિજયી ઉમેદવારોના ટેકામાં મત આપી પોતાની એકતા સિદ્ધ કરી બતાવી છે.

તાજેતરમાં ઊંઝા નગરપાલિકાની યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ આજે સવારે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પ્રાંત અધિકારી મોદીની હાજરીમાં પાલિકાના ચૂંટાયેલા સદસ્યોની એક બેઠક પાલિકાના સભાગૃહમાં મળી હતી.

પાલિકાના હોદ્દેદારો માટેની ચૂંટણીમાં પ્રમુખ પદ સામાન્ય મહિલા ઉમેદવાર માટેનું હોઈ વોર્ડ નં.૯માંથી સામાન્ય સ્ત્રી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલ મીનાબેન જીતેન્દ્રકુમાર પટેલ (મિલન) અને વોર્ડ નં.૭માંથી ચૂંટાયેલ અપક્ષ ઉમેદવાર કૈલાશબેન અશોકભાઈ પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.

જેમાં પાલિકાના ચૂંટાયેલા ૩૫ અપક્ષો અને એક કોંગ્રેસના કુલ ૩૬ સદસ્યોની હાજરીમાં ચૂંટણી યોજાતાં મીનાબેન પટેલને સૌથી વધુ ૨૪ મતો મળતાં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે કથિત ભાજપ સમર્થિત હરીફ ઉમેદવાર કૈલાશબેન પટેલને ૧૨ મત મળતાં તેઓ હારી ગયા હતા.

ઉપપ્રમુખની ચૂંટણીમાં વોર્ડ નં.૧માંથી ચૂંટાયેલ રાકેશકુમાર જયંતિભાઈ પટેલને ૨૪ મત મળતાં તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જ્યારે હરીફ ગીરીશભાઈ મફતલાલ પરમાર (વોર્ડ નં.૮)ને ૧૨ મત મળતાં આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં વિજયી ઉમેદવારોને ૨૪ મતો મળ્યાં હતાં.

તે પૈકી એક કોંગ્રેસના સદસ્યે પણ સમર્થન આપ્યું હતું. સ્થાનિક આંટા કડવા પાટીદાર સમાજના ૧૮ પાલિકાના સદસ્યોએ પાલિકાના હોદ્દેદારોની ચૂંટણીમાં વિજયી ઉમેદવારોના ટેકામાં મત આપી પોતાની એકતા સિદ્ધ કરી બતાવી હતી. ચૂંટણી સમયે જય સરદાર, જય પાટીદારના નામવાળી ટોપીઓ પહેરેલ મોટા ભાગના સદસ્યોએ નારા લગાવ્યા હતા.

પાલિકાના હોદ્દેદારોની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો મુખ્ય બન્યો હોય તેમ ભાજપ સમર્પિત ઉમેદવારોની ચૂંટણીમાં બુરી હાર થતાં ઊંઝા શહેર અને તાલુકાના ભાજપના પ્રજાના પ્રતિનિધિઓ, આગેવાનોના પાલિકામાં પુનઃ સત્તા કબજે કરવાના મરણિયા પ્રયાસો નિષ્ફળ સાબિત થયા હતા. પાલિકાના હોદ્દેદારોની ચૂંટણીમાં ભાજપના આગેવાનો દ્વારા છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું.

You might also like