શિક્ષણ મંત્રીની સાથે રાજ્યની યુનિ.ના કુલપતિઓની બેઠક

અમદાવાદ : યુનિવર્સિટીમાં નવીનીકરણ, સમારકામ, સુધારા-વધારા અને સારસંભાળ માટે ફાળવેલી ગ્રાન્ટ અન્વયે થયેલ ખર્ચની સમીક્ષા કરવા આગામી તા. ૬ઠ્ઠી જાન્યુઆરીના રોજ રાજ્યના શિક્ષણમંત્રી અને નાણાં મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિઓની બેઠક મળનાર છે. આ બેઠકમાં નાણાકીય વર્ષમાં થયેલી કામગીરીના સંદર્ભે, યુનિ.માં નવા શરૂ કરાયેલા કોર્ષ, સીસીસીની પરીક્ષા અંગે, સ્વચ્છતા મિશન અંગે, ગુણોત્સવ સહિતના મુદ્દે ચર્ચા કરાશે.રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાણાં મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં તા.છઠ્ઠી જાન્યુઆરીના રોજ બપોરે ૩ કલાકે તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત અન્ય આઠ યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટારની બેઠકનું આયોજન કરાયું છે.

આ બેઠકમાં વર્ષ ર૦૧૬-૧૭ના વર્ષની નવી બાબતો, યુનિવર્સિટીમાં નવીનીકરણ, સમારકામ, સુધારા-વધારા અને સાર-સંભાળ માટે ફાળવેલી ગ્રાન્ટ અન્વયે થયેલા ખર્ચની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં યુનિવર્સિટી ખાતે સી.સી.સી.ની પરીક્ષાના આયોજનની વિગતો અંગે,સ્વચ્છતા મિશન અન્વયે કરાયેલી કામગીરી બાબતે, યુનિવર્સિટીઓમાં નવા શરૂ કરાયેલા કોર્ષોની વિગતો અંગે, રૂસાની ગ્રાન્ટ અન્વયે થયેલા ખર્ચની વિગતો અંગે, ગુણોત્સવ અન્વયે કરાયેલી કામગીરી, ખેલ મહાકુંભની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરાશે.

You might also like