યુનિ.ના MSWના વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસઃ વિભાગના વડા પર ત્રાસનો આક્ષેપ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીનો એમએસડબ્લ્યુ વિભાગ ફરી એક વાર વિવાદમાં આવ્યો છે. એમએસડબ્લ્યુ (માસ્ટર ઓફ સોશિયલ વર્ક) વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિભાગના હેડ ડો. પ્રદીપ પ્રજાપતિના ત્રાસથી આજે વહેલી સવારે પોતાના ઘરે માથામાં દસ્તો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવારાર્થે સોલા સિવિલ હો‌સ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે વિદ્યાર્થીના ભાઇ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ડો.પ્રદીપ પ્રજાપતિ વિરુદ્ધ માનસિક ત્રાસ અંગેની અરજી આપવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી દેશવાલી સોસાયટીમાં ડેવિડ બંસીધર જોશી પોતાના પરિવાર સાથે રહે છે. ડેવિડ ગુજરાત યુનિ.ના એમએસડબ્લ્યુ વિભાગમાં અભ્યાસ કરે છે. આજે વહેલી સવારે ડેવિડે પોતાના ઘરે લોખંડનો દસ્તો લઇ પોતાના માથામાં મારી દીધો હતો. ઘરમાં જ દસ્તો મારીને આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારજનો દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત ડેવિડને સારવારાર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.

પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે એમએસડબ્લ્યુ વિભાગના હેડ ડો.પ્રદીપ પ્રજાપતિના ત્રાસથી ડેવિડે આ પગલું ભર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી પ્રદીપ પ્રજાપતિ દ્વારા ડેવિડને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ડેવિડ દ્વારા કોલેજમાં કોઇ પણ પ્રકારનું સારું કામ અથવા પ્રવૃત્તિ કરવામાં આવતી તો વિભાગના હેડ દ્વારા તેને હેરાન પરેશાન કરવામાં આવતો હતો. આ ઉપરાંત તેને છેલ્લા છ મહિનાથી વારંવાર ધમકી આપવામાં આવતી હતી કે તારું એડમિશન રદ કરી દેવામાં આવશે. ડેવિડ જે પણ સારી પ્રવૃત્તિ કરે તેમાં વિભાગના હેડને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવા દબાણ કરાતું હતું.

વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોઇ તેનાથી કંટાળી જઇ આજે સવારે ડેવિડે આ પ્રકારનું પગલું ભરતાં તેના ભાઇ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ડો.પ્રદીપ પ્રજાપતિ વિરુદ્ધ માનસિક ત્રાસ અંગેની અરજી આપવામાં આવી હતી.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.જી. ગોહિલે જણાવ્યું હતું કે આજે સવારે વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે અને એમએસડબ્લ્યુ વિભાગના હેડના ત્રાસથી આવું પગલું ભર્યું હોવાની અરજી મળી છે. આ અંગે તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એમએસડબ્લ્યુ વિભાગના કો-ઓર્ડિનેટર વૈશાલી આચાર્ય સામે વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે મહિલા પ્રોફેસરેે ધમકાવતાં કહ્યું હતું કે મેં તને પ્રેગ્નેન્ટ થવાનું કહ્યું હતું? તેમજ એબોર્શન કરાવી નાખ તેવું જણાવ્યું હતું. આ અંગે ‌વિદ્યાર્થિનીએ કુલપતિ તેમજ યુનિ. પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
http://sambhaavnews.com/

You might also like