યુનિ.ના MSWના હેડ ડો. પ્રદીપ પ્રજાપતિ પર પોલીસ મહેરબાન

અમદાવાદ: ઘાટલોડિયાની દેશવાલી સોસાયટીમાં રહેતા અને એમએસડબ્લ્યુ વિભાગના દિવ્યાંગ વિદ્યાર્થી ડેવિડ જોશીએ વિભાગના હેડ ડો.પ્રદીપ પ્રજાપતિના ત્રાસથી માથામાં દસ્તો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ડેવિડના ભાઇ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં કરાયેલી અરજી સંદર્ભે પોલીસે હજી સુધી કોઇ કાર્યવાહી કરી નથી.

પોલીસે પ્રદીપ પ્રજાપતિની કોઇ પૂછપરછ કરી ન હોઇ પોલીસે આ ઘટનાને હળવાશથી લીધી હોવાનું જણાય છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત યુનિવર્સિટીનો એમએસડબ્લ્યુ વિભાગ વિવાદમાં રહ્યો છે. તાજેતરમાં મહિલા કો.ઓર્ડિનેટર વૈશાલી આચાર્ય દ્વારા એક વિદ્યાર્થિનીને એબોર્શન કરાવી દેવાનું જણાવ્યું હોવાનાં વિવાદ બાદ ચાર દિવસ અગાઉ ઘાટલોડિયાની દેશવાલી સોસાયટીમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ડેવિડ જોશીને હેડ પ્રદીપ પ્રજાપતિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતાં તેણે માથામાં દસ્તો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ડેવિડના ભાઇ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ડો.પ્રદીપ પ્રજાપતિ વિરુદ્ધ માનસિક ત્રાસની અરજી આપવામાં આવી હતી. જેમાં આક્ષેપ કર્યો છે કે અસભ્ય વર્તન કરી તું આંધળો અને વિકલાંગ છે કહી માનસિક ત્રાસ આપવામાં આવે છે. અંધ અને વિકલાંગ વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતાં તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ગંભીર છે પરંતુુ પોલીસ વિભાગના હેડને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઘાટલોડિયા પોલીસના પીઆઈ એ.જી. ગોહિલે જણાવ્યું હતું કે ડો. પ્રદીપ પ્રજાપતિની માહિતી યુનિવર્સિટીમાંથી મંગાવી છે અને આ અંગે તપાસ ચાલુ છે.
http://sambhaavnews.com/

You might also like