યુનિવર્સિટી કેમ્પસમાં કાટમાળ અને કચરાના ઢગલા પર ઢાંકપિછોડો!

અમદાવાદ: દેશમાં સ્વચ્છતા અભિયાન માટે મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવે છે પરંતુ તેનો કોઇ પણ જગ્યાએ અમલ થતો જોવા મળતો નથી, પરંતુ જો કોઇ પ્રધાન ઉદ્ઘાટન કરવામાં આવે તો તરત ગણતરીના કલાકોમાં જ સાફ સફાઇ થઇ જાય અને સફાઇનું થઇ શકે તો ઢાંકપિછોડો કરવામાં
આવે છે.

આવો નજારો ગુજરાત યુનિવર્સિટીમાં ‌શિક્ષણ પ્રધાન વસુબહેન ત્રિવેદી એપીજે અબ્દુલ કલામ એક્સટેન્શન સેન્ટરના ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા ત્યારે જોવા મળ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય જોવા મળે છે. જેમાં ગઇકાલે શિક્ષણ પ્રધાન અબ્દુલ કલામ એક્સટેન્શનના ખાતમુહૂર્ત માટે આવ્યા હતાં. ત્યારે શિક્ષણ પ્રધાજ જે રસ્તેથી ખાતમુહૂર્ત માટે જવાના હતા તે જ રસ્તાની આજુબાજુ નકામું ફર્નિચર, ગાડીઓ અને ગંદકીના થર હતા જે યુનિ. તંત્ર દ્વારા સાફ કરી શકાય તેમ ન હતાં. જેથી પડદાની દીવાલ ઊભી કરીને આ ગંદકીને છુપાવવાની કોશિશ કરવામાં આવી હતી.

દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે ગુજરાત યુનિવર્સિટીમાં પણ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં આ સ્વચ્છતા અભિયાન ગંદકી અભિયાન થયું હોય તેવી યુનિવર્સિટીની છબી સામે આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીનાં ખુલ્લાં મેદાનો અને જગ્યા ફાજલ પડી હોય તેવું જગ્યાએ ફર્નિચર અને નકામી વસ્તુઓનો ઢગલો ઊભો કરી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પડી રહેલા આ ભંગારનો યુનિવર્સિટી દ્વારા કોઇ જ નિકાલ કરવામાં નથી આવ્યો.

ખુલ્લા મેદાનમાં પડેલા ફર્નિચર, ભંગાર વિશે યુનિવર્સિટી એસ્ટેટ વિભાગના દર્શનસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે, ભંગારનો નિકાલ કરવા માટે એજન્સીઓને નિમવામાં આવી છે. હવે ટૂંક સમયમાં તમામ ફર્નિચર તથા ભંગાર ઉપાડી લેવામાં આવશે.

You might also like