રાજ્યવર્ધને આપ્યો ફિટનેસનો મંત્ર ઋત્વિક, કોહલી, સાયનાને પણ અપીલ

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે દેશની જનતાને ફિટ રહેવાનો મંત્ર આપ્યો છે. તેમણે ગઇ કાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. વીડિયોમાં તેઓ વડા પ્રધાનના ‘હમ ફિટ તો ઇન્ડિયા ફિટ’ અભિયાનને આગળ વધારવાની અપીલ કરી રહ્યા છે.

વીડિયોમાં તેઓ પોતાની ઓફિસમાં પુશઅપ્સ કરતા દેખાય છે. સાથે લોકોને પોતાના કામ દરમિયાન થોડો સમય કાઢીને વ્યાયામ કરવાની સલાહ પણ આપી રહ્યા છે એટલું જ નહીં કેન્દ્રીય પ્રધાને વિરાટ કોહલી, ઋત્વિક રોશન અને સાયના નહેવાલને પણ આ અભિયાનમાં જોડાવાની અને તેને આગળ વધારવાની અપીલ કરી છે.

વીડિયોમાં રાજ્યવર્ધન કહી રહ્યા છે કે હું જયારે પણ મોદીજીને જોઉં છું ત્યારે તેમનાથી પ્રેરિત થાઉં છું. તેમની અંદર ગજબની એનર્જી છે. તેઓ ઇચ્છે છે કે આખું ભારત ફિટ બની જાય. તેથી હું મારા કામમાં વ્યાયામને સામેલ કરું છું. તમારો ફિટ રહેવાનો મંત્ર શું છે. એક વીડિયો બનાવો, ફોટો પાડો અને સોશિયલ મીડિયા પર મૂકો જેથી આખો દેશ પ્રેરાય. આવો બધા સાથે મળીને એક ફિટ ઈન્ડિયા બનાવીએ. આપણે ફિટ તો ઇન્ડિયા ફિટ.

રમત ગમત પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડને તાજેતરમાં સ્મૃતિ ઇરાનીની જગ્યાએ માહિતી અને પ્રસારણ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. તેઓ આ પહેલાં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમને પણ પ્રમોટ કરી ચૂકયા છે. ભાજપ સરકાર શરૂઆતથી જ યોગને પ્રમોટ કરી રહી છે.

થોડા મહિના પહેલાં મન કી બાતમાં પોતાના થ્રીડી વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાન મોદીએ આ વીડિયોથી પ્રેરિત થવાની અને યોગને અપનાવવાની અપીલ કરી હતી. રાજ્યવર્ધન રાઠોડના ટ્વિટ બાદ કેટલાય લોકોએ આ પ્રકારના વીડિયો અને ફોટો પોસ્ટ કર્યા અને તેમના અભિયાનને સમર્થન આપ્યું.

You might also like