વિજય માલ્યા જેવા સ્માર્ટ બનો કેન્દ્રીય પ્રધાને આદિવાસીઓને કહ્યું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાં જનજાતિ બાબતોના પ્રધાન જુઅલ ઓરમે આદિવાસીઓને પ્રેરણા આપવા માટે દેશના ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યાથી પ્રેરિત થવાની સલાહ આપી છે. ગઇ કાલે જુઅલ ઓરમે એક કાર્યક્રમમાં આદિવાસીઓને સંબોધતાં તેમને બિઝનેસ સાહસિકતા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન તેમણે આ લોકોને કહ્યું કે, ‘માત્ર હાર્ડવર્કર ન બનો, સ્માર્ટ વર્કર બનો.’

આ પ્રધાને લોકોને પ્રેરિત કરવા માટે ભારતીય બેન્કોને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી જનાર લીકર બિઝનેસમેન વિજય માલ્યાનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે વિજય માલ્યાએ ખોટા કામોમાં ફસાતાં પહેલાં પોતાના બિઝનેસને સફળ બનાવ્યો. તેની આ સફળતામાંથી પ્રેરણા લેવી જોઇએ.

જુઅલ ઓરમ હૈદરાબાદમાં આયોજિત પહેલી ‘રાષ્ટ્રીય જનજાતિય ઉદ્યમી સંમેલન’ને સંબોધીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, શું તમે વિજય માલ્યાને ગાળ આપો છો, પરંતુ કોણ છે વિજય માલ્યા? તેઓ એક સ્માર્ટ વ્યકિત છે.

તેમણે કેટલાક બુદ્ધિશાળી લોકોને કામ પર રાખ્યા અને બેન્કો, રાજકીય નિષ્ણાતો અને સરકારને પોતાના પ્રભાવમાં લીધા. આમ કરવાથી તેમને કોણ રોકે છે. આદિવાસીઓને કોણે કહ્યું છે કે સિસ્ટમ પર પોતાનો પ્રભાવ ના બતાવો. તમને કોણે કોણે રોકયા છે કે તમે બેન્કોને પ્રભાવિત ન કરો.

આ સંમેલનમાં તેમણે આદિવાસીઓને જણાવ્યું કે અાદિવાસી હોવાનું કેટલુક નુકસાન છે તો કેટલાક ફાયદા પણ છે. આદિવાસીઓ માટે શિક્ષણ સંસ્થાઓ અને નોકરીઓમાં આરક્ષણની સુવિધા છે. તેનો લાભ લઇને તમે તમારી લાઇફને બહેતર બનાવી શકો છો.

જુઅલ ઓરમે એમ પણ કહ્યું કે આપણે સફળ બનવું જોઇએ, ઉદ્યોગ સાહસિક બનવું જોઇએ, બુદ્ધિશાળી બનવું જોઇએ અને સ્માર્ટ પણ બનવું જોઇએ. આપણને દરેક બાબતની જાણકારી પણ હોવી જોઇએ. જાણકારી જ તાકાત છે. જેની પાસે જાણકારી છે તેની પાસે જ તાકાત છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ આદિવાસી બિઝનેસમેન હાજર રહ્યા હતા.

You might also like