કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સામે જમીન હડપ કરવાના કેસમાં FIR દાખલ

પટણા, ગુરુવાર
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહ પર પટણાના દાનાપુરમાં જમીન હડપ કરવાના મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. બુધવારે પટણાની અદાલતના આદેશ બાદ ગિરિરાજસિંહ સામે દાનાપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર ૫૪/૨૦૧૮ દાખલ કરવામાં આવી છે. ગિરિરાજસિંહ પર આક્ષેપ છે કે તેમણે બે એકર જેટલી જમીન પર બળજબરી પર કબજો કરી લીધો છે.

ગિરિરાજસિંહ પર જમીન હડપ કરવાના કેસમાં એફઆઈઆર દાખલ થયા બાદ રાજદના નેતા તેજસ્વી યાદવે મુખ્યપ્રધાન નીતિશકુમાર સામે પ્રહારો કર્યા હતા. આ મુદ્દે ટ્વિટ કરતાં તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે ગિરિરાજસિંહ એ જ પ્રધાન છે જેમના ઘરેથી કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તેમ છતાં તેમને ઈમાનદાર ગણાવવામાં આવે છે.

તેજસ્વીએ નીતિશકુમારને સવાલ પૂછ્યું છે કે તેમની નજર તળે તેમના જ સાથી પક્ષ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે ગરીબોની બે એકર કરતા વધુ જમીન હડપ કરી લીધી છે. તો શું હવે નીતિશકુમાર ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખશે?

નીતિશ સામે નિશાન તાકીને તેજસ્વી યાદવે પૂછ્યું હતું કે મુખ્યપ્રધાન હવે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપશે ? તેજસ્વીએ વધુ એક સવાલ પૂછતાં જણાવ્યું હતું કે આખરે નીતિશકુમારની નૈતિકતા ક્યાં ચાલી ગઈ? તેઓ ગિરિરાજસિંહના મામલે કેમ જવાબ આપતા નથી.

You might also like