સમુદ્રમાં અજાણી નૌકા ઘૂસી જવાના બનાવ બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન

અંજાર : કચ્છની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યાર પૂર્વે સમુદ્રમાં અજાણી નૌકા ઘૂસી આતંકી હુમલાના ભયથી તમામ એજન્સીઓ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હોવાનું જાણવા મળે છે. જયારે ગુજરાતના માછીમારોને આ બાબતે તાકીદ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે. સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. ગુજરાત રાજયના દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાંક અજાણ્યા વહાણો ફરી રહ્યા હોવાની ચેતવણી રાખવા મત્સ્ય ઉદ્યોગ જારી કરી છે.

જયારે ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાત, દીવ અને દમણની કોસ્ટલ સિકયુરિટીએ સંભવિત આતંકી હુમલા સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળે છે. અને માછીમારોને આ સંદર્ભે સાવધ રહી કયાંય શંકાસ્પદ હિલચાલ જણાય તો સુરક્ષા એજન્સીઓને ધ્યાને લાવવા જણાવાયું છે. તંત્રે આપેલી ચેતવણી સંદર્ભે વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવે તે દરમ્યાન અજાણી વેસ્લસ મુંબઈ-કંડલા વિસ્તારમાં ફરતાં હોવાના ફેકસ સંદેશા મળ્યા છે.

જે સંદર્ભે શંકાસ્પદ જહાજો દરિયાકાંઠા વિસ્તારમાં ઘૂસણખોરી કરીને અઘટિત કૃત્ય કરે તેવી આશંકા હોવાનું જણાય છે.ક્ચ્છ-ગુજરાત ક્ષેત્રના તમામ બોટ માલિકો, માછીમારો સંબંધિત બાબતે જાગૃત રહે તેવો અનુરોધ રાજયના મત્સ્ય ઉદ્યોગ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યો છે. કંડલાને લાગે વળગે છે ત્યાં સુધી સી.આઈ.એ.એફ. કંડલા મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડ દ્વારા આ બાબતે ચાંપતી નજર રખાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

કચ્છના રણમાં આગામી દિવસોમાં મળનારી દેશના ડી.જી.ની કોન્ફરન્સ માટે અહીં આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા સંદર્ભે તમામ એજન્સી પ્રવૃત્ત છે તે જ સમયે પડોશી દેશ પાકિસ્તાન દ્વારા પ્રેરિત ત્રાસવાદીઓ ગુજરાતમાં કોઈ છમકલું ન કરે તે માટે દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા ચેતવણી જારી થઈ છે.

You might also like