ન્યાયપાલિકાની ટીકા દેશની પ્રગતિ માટે અયોગ્ય

એક કાર્યક્રમમાં વકતવ્ય આપતી વખતે દેશના મુખ્ય ન્યાયાધીશની આંખો ભરાઈ આવવાની ઘટના કદાચ પ્રથમવાર જ બની હશે. ન્યાયપાલિકાની વિવશતાનો ઉલ્લેખ કરતા તો કદાચ આવું નહ‌ીં જ બન્યું હોય. પરંતુ મુખ્યપ્રધાનો અને મુખ્ય ન્યાયાધીશોના વાર્ષિક સંમેલનમાં જજની ઓછી સંખ્યાનો ઉલ્લેખ કરતા મુખ્ય ન્યાયાધીશ તીરથસિંહની આંખો ભરાઈ આવી હતી ત્યારે વડા પ્રધાન મોદી પણ ત્યાં હાજર હતા.
આ સમારોહમાં જસ્ટિસ ઠાકુરે જણાવ્યું હતું કે હું આપને વિનંતી કરું છું કે માત્ર અરજદાર માટે જ નહિ, જેલમાં રહેલા ગરીબ અરજદાર માટે જ નહિ પરંતુ દેશ અને પ્રગતિ માટે એ સમજવાની જરૂર છે કે ન્યાયપાલિકાની ટીકા કરવી પુરતુ નથી. આપણે તમામ દોષ ન્યાયપાલિકા પર નાખી ન શકીઅે. આ સંમેલનમાં વડાપ્રધાનના પ્રવચનનો કાર્યક્રમ નહિ હોવા છતાં તેમણે મંચ પર આવી જણાવ્યુ હતુ કે સમસ્યાના સમાધાન માટે તેઓ ઈમાનદારીથી પ્રયાસો કરશે.
દેશવાસીઓ પણ અેવી અપેક્ષા રાખી રહ્યા છે કે વડા પ્રધાન તેમના આ વચનને અેક પવિત્ર વાયદા તરીકે સ્વીકારે. અગાઉની સરકારની માફક નહિ. કે જેમની ઉદાસીનતાથી દેશના સર્વોચ્ચ ન્યાયિક અધિકારી પણ નિસહાય જોવા મળ્યા. જસ્ટિસ ઠાકુરે યાદ અપાવી હતી કે ૧૯૮૭માં કાયદાપંચે દર ૧૦ લાખની વસતીઅે જજની સંખ્યા ૧૦થી વધારીને ૫૦ કરવા ભલામણ કરી હતી. પરંતુ ત્યારબાદ પણ આ મુદે ભાષણો સિવાય કંઈજ થયુ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર અેકબીજા પર જવાબદારી ઢોળતી રહી છે. પરિણામે આજે દેશમાં અેક જજને સરેરાશ ૨૬૦૦ કેસનો ઉકેલ લાવવો પડે છે. જ્યારે અમેરિકામાં આવો દર સરેરાશ ૮૧ છે. આપણા દેશમાં નીચલી અદાલતો પર દર વર્ષે બે કરોડ કેસનો બોજો રહે છે. ન્યાયમૂર્તિ ઠાકુરે જણાાવ્યું કે દેશમાં જજની સંખ્યા ૨૧૦૦૦થી વધારીને તરતજ ૪૦ હજાર કરવાની જરૂર છે. આજે હાઈકોર્ટમાં જજની ૪૩૪ જગ્યા ખાલી છે. ત્યારે આવી સ્થિતિમાં ન્યાયિક વ્યવસ્થાની અસરકારક કામગીરીની આશા રાખ‍વી અયોગ્ય બાબત છે.
મુખ્ય ન્યાયાધીશે વડા પ્રધાન સમક્ષ જણાવ્યું હતુ કે જો વર્તમાન માળખા મુજબ જ આવા પ્રયોગ ચાલુ રાખવામાં આવશે તો કોર્પોરેટ ક્ષેત્રના અરજદારો માટે અલગ કોમર્શિયલ કોર્ટ બનાવવાની તમારી યોજના સફળ નહિ નીવડે, સાથે સાથે એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે કે એફડીઆઇ હોય અથવા મેઇક ઇન ઇન્ડિયા કે વિકાસને લગતું કોઇ સપનું આ તમામ બાબતો સાકાર થવાની ન્યાયતંત્રની ઉચિત રીતે કામ કરવાની બાબત પર આધાર રાખે છે. સરકારે આ તમામ બાબતો તેની ટીકા તરીકે લેવી જોઇએ નહીં. હકીકતમાં આ બાબત લાંબા સમયથી એકત્રિત થયેલી વાસ્તવિક સમસ્યા છે. જેનો વર્તમાન સરકારે એક મોટા પડકાર તરીકે સ્વીકાર કરવો જોઇએ.
ન્યાયધીશ ઠાકુરે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશ સૌથી ઝડપી ગતિએ વધતી અર્થવ્યવસ્થા છે તેેથી દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ થઇ રહ્યું છે. એક તરફ મેઇક ઇન્ડિયાની વાત થઇ રહી છે, પરંતુ આ તમામ બાબત નિરર્થક છે, કારણ કે જે કોઇ દેશ આપણા દેશમાં રોકાણ કરશે તે દેશ અહીંની ન્યાયિક વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે એક જજને લગભગ ર૬૦૦ કેસના ચુકાદા આપવા પડે છે. જે ખરેખર યોગ્ય ગણાય નહીં. આટલી મોટી સંખ્યામાં કેસોનો નિકાલ લાવવો અને તે પણ કામના બોજા હેઠળ? તેથી આપણે તેમની પાસેથી સારા કામની અપેેક્ષા કેવી રીતે રાખી શકીએ?
આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ન્યાયપાલિકા પ્રત્યે આમ આદમીનો વિશ્વાસ ટકી રહે અને તેમની સરકાર જવાબદારીને પૂરી કરવા તેમજ સામાન્ય વ્યકિતના જીવનને સરળ બનાવવા મદદ કરવામાં પીછેહઠ નહીં કરે.

You might also like