આ વર્ષે પણ દિવાળીમાં ઊબડખાબડ રસ્તાઓની નાગરિકોને ભેટ મળશે

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુની. કોર્પોરેશનમાં તહેવારોના રાજા ગણાતા દિવાળીના સપરમા દિવસોમાં નાગરિકોને ઊબડખાબડ રસ્તા પર વાહન ચલાવવાની ફરજ પડી રહી છે કેમ કે રસ્તાઓના રિપેરિંગના તંત્રનાં અણઘડ આયોજનનો ભોગ પ્રજા બની રહી છે. આ વખતે પણ સત્તાવાળાઓની કાચબા છાપ ગતિથી આવતી દિવાળીમાં અમદાવાદીઓને ‘ડિસ્કો રોડ’ જ મળવાના છે.
સામાન્ય રીતે ચોમાસા પહેલા જે તે રોડના રિસફેસિંગનાં કામોનું આયોજન કરાય તો દશેરાથી કોર્પોરેશન પેવરના કામોનું ઘોડું દોડાવી શકે છે. જોકે પાછલા વર્ષોનો કડવો અનુભવ એ રહ્યો છે કે દશેેરાથી પેવરનાં કામો શરૂ થતાં જ નથી. દિવાળીના તહેવારો બાદ એટલે કે લાભપાંચમ પછી રસ્તાનાં કામો પાટા પર ચડે છે.
આજે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટી સમક્ષ જે તે એમના જે તે વોર્ડના જે તે રસ્તાના રિસરફેસિંગના આશરે રૂ.પ૦ કરોડથી વધુના અંદાજ કામો મંજુરી માટે મૂકાયાં છે. જેમાં શહેરના રાજમાર્ગ ગણાતા આશ્રમરોડને સાંકળતા મહત્વના રોડને રી ગ્રેડ કરી રિસરફેસ કરવાના કામના ટેન્ડર આધારિત બનાવેલા રૂ.૧ર.૮૦ કરોડના અંદાજનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં આટલું અગત્યનું કામ પણ દિવાળી બાદ જ હાથ ધરાશે.
જાન્યુઆરીના અંત સુધીમાં બજેટ મંજૂર થતું હોઇ મહિનામાં શહેરભરના મહત્વપૂર્ણ રસ્તાઓની યાદી તૈયાર થઇ તેના ટેન્ડરિંગ, અંદાજની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઇએ. જેના કારણે ચોમાસા પહેલા પણ નાગરિકોને રસ્તાના મામલે આંશિક રાહત આપી શકાય. તેમજ દશેરાથી દિવાળી સુધીમાં મોટાભાગના રસ્તાને ચકાચક કરી શકાય. કમનસીબે ઇ-ગવર્નન્સના ઢોલ નગારાં પીટતું તંત્ર અનેક જન સુવિધા લક્ષી મોરચે નિષ્ફળ જ રહ્યું છે.

You might also like