યુનેસ્કોની ટીમ અાજે વિવિધ પોળોના રહેવાસીઓને મળશે

અમદાવાદ: અમદાવાદનો વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ થઈ શકે તે સંદર્ભે શહેરની ત્રણ દિવસીય મુલાકાતે આવેલી યુનેસ્કોની ટીમ આજના છેલ્લા દિવસે હેરિટેજ વોકનું નિરીક્ષણ કરશે તેમ જ કોટ વિસ્તારની પોળોના રહેવાસીઓને મળશે. યુનેસ્કોની ટીમના વરિષ્ઠ સભ્ય ડો. અડેલ ફરહાન્ગીએ ગઈ કાલે કોર્પોરેશનમાં મેયર ગૌતમ શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ વગેરે ટોચના હોદ્દેદારોની શુભેચ્છા મુલાકાત લેતાં મેયરે તેમને શહેરના ઇતિહાસ અને સ્થાપત્ય અંગેની ફારસી ભાષામાં મિરાતે અહેમદીએ લખેલાં પુસ્તકો ભેટરૂપે આપ્યાં હતાં.

ગઈ કાલે રાતે ફાઈવસ્ટાર હોટલ તાજ ઉમેદમાં યુનેસ્કોની ટીમે મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક, રિક્રિએશનલ કમિટીના ચેરપર્સન વગેરે ટોચના અધિકારીઓ તેમ જ હોદ્દેદારોની સાથે ગુજરાતી કઢી, ખીચડી અને ઢોકળાં વગેરે વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો. આ ટીમ આવતી કાલે સવારે દિલ્હી જવા રવાના થશે. યુનેસ્કોની ટીમના રિપોર્ટના આધારે તંત્ર સ્થાપત્યોની જાળવણીના મામલે સુધારા વધારા કરશે. આ તમામ પ્રક્રિયાના અંતે આગામી તા.૧૭ જુલાઈ સુધીમાં યુનેસ્કો અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીના દાવા અંગે પોતાના નિર્ણયની જાહેરાત કરશે.

You might also like