શહેરના હેરિટેજ સ્મારકોને કાયમી ધોરણે હવે દબાણમુક્ત રખાશે

અમદાવાદ: અમદાવાદનો ૬૦૦થી વધુ વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ હોઇ આપણું શહેર મંદિર, મસ્જિદ અને જિનાલયોથી શોભી રહ્યું છે. કોટ વિસ્તારની પોળોનાં પરંપરાગત મકાનો, ચોરા, ચબૂતરા, વાવોથી શહેર સમૃદ્ધ બન્યું છે. યુનેસ્કોમાં દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બનવાનો અમદાવાદે દાવો નોંધાવ્યા બાદ નાગરિકોમાં શહેરની ઐતિહાસિક ધરોહર પ્રત્યેની લાગણીમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઇ છે. ખુદ કોર્પોરેશન પણ હેરિટેજ સ્મારકોનાં કાયમી જતન માટે ગંભીર બન્યું છે. કમિશનર મૂકેશકુમારના આદેશથી તંત્રએ આ અંગે ખાસ મેનેજમેન્ટ પ્લાન બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરી દીધાં છે.

શહેરનાં ઐતિહાસિક સ્થાપત્યો પ્રત્યેક શહેરની શાન છે. પરંતુ રાજાનો હજીરો, રાણીનો હજીરો, ભદ્ર વિસ્તાર જેવાં અનેક સ્થાપત્યો દબાણગ્રસ્ત છે. અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીના દાવાના સંદર્ભમાં ગત તા.ર૭ સપ્ટે., ર૦૧૬એ યુનેસ્કોની ટીમે શહેરની મુલાકાત લીધી હતી. યુનેસ્કોની ટીમે સતત ત્રણ દિવસ સુધી શહેરના હેરિટેજ સ્મારકોનું નિરિક્ષણ કર્યું હતું.

મ્યુનિ. સત્તાવાળાઓએ પુરાતત્ત્વ વિભાગ સહિતના અન્ય સરકારી વિભાગોના સહકારથી ભદ્ર પ્લાઝા સહિતના ઐતિહાસિક સ્થાપત્યો ફરતેનાં દબાણો હટાવ્યાં હતાં. યુનેસ્કોની ટીમની અમદાવાદ મુલાકાત દરમ્યાન આ તમામ ઐતિહાસિક સ્થાપત્યો કામચલાઉ દબાણમુક્ત બન્યાં હતાં ! જોકે યુનેસ્કોની ટીમ પરત ફરતાંની સાથે ફરીથી દબાણો યથાવત થઇ ગયાં છે !

જોકે કમિશનર મૂકેશકુમારે શહેરના હેરિટેજ વારસાનાં કાયમી જતન માટે તંત્રને આદેશ આપ્યો છે. કમિશનરના આદેશના પગલે હેરિટેજ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ‘મેનેજમેન્ટ પ્લાન’ બનાવવાની દિશામાં કવાયત આરંભી દીધી છે. તાજેતરમાં જ સેવા નિવૃત્ત થયેલા એક ડેપ્યુટી મ્યુનિ. કમિશનરને હેરિટેજ વિભાગના ઓફિસર ઓન સ્પેેશિયલ ડ્યૂટીની જવાબદારી સોંપાઇ છે. આ ઉચ્ચ અધિકારી ‘મેનેજમેન્ટ પ્લાન’ ઘડી રહ્યા છે.

મ્યુનિ. સત્તાવાળા દ્વારા હેરિટેજ સ્મારકોને કાયમી દબાણમુક્ત કરવા માટે એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવશે. આ વિશેષ ટીમને ફક્ત અને ફક્ત હેરિટેજ સ્મારકોની અંદરનાં કે આસપાસનાં દબાણોને ખસેડવાની કામગીરી સોંપાશે.  દરમ્યાન યુનેસ્કોની ટીમ સપ્ટેમ્બરના અંતમાં અમદાવાદનો ત્રણ દિવસનો પ્રવાસ ખેડી ચૂક્યા બાદ ફરી આગામી ફેબ્રુઆરી, ર૦૧૭માં અમદાવાદ આવી રહી છે. હેરિટેજ વિભાગના ટોચનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, યુનેસ્કોમાં અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીના દાવાના જ સંદર્ભમાં યુનેસ્કોની ટીમ ફરી અમદાવાદની મુલાકાત લેવાની છે. યુનેેસ્કોની પહેલી મુલાકાત પાછળ મ્યુનિ. તિજોરીમાંથી આશરે રૂ.પપ લાખ ખર્ચાયા હતા. હવે આગામી બીજી મુલાકાત પણ કોર્પોરેશન માટે ખર્ચાળ પુરવાર થશે. જોકે યુનેસ્કોમાં અમદાવાદના દેશના પ્રથમ વર્લ્ડ હેરીટેજ સિટીના દાવાની માન્યતા અંગે તો જુલાઇ, ર૦૧૭માં નિર્ણય લેવાશે.

You might also like