થેન્ક્સ ટુ યુનેસ્કોઃ શહેરના હેરિટેજ રૂટ ચકાચક થઈ જશે

અમદાવાદ: અહમદશાહ બાદશાહ દ્વારા છેક વર્ષ ૧૪૧૧માં હાલના અમદાવાદની સ્થાપના કરાઇ હતી. પોતાના સ્થાપનાના છસોથી વધુ વર્ષ પૂર્ણ કરનાર અમદાવાદની ઐતિહાસિકતા સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ છે. ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવનાર અમદાવાદને ‘હેરિટેજ સિટી’નો વિશ્વમાં દરજ્જો અપાવવા કોર્પોરેશન તમામ પ્રયાસો કરી રહ્યું છે. યુનેસ્કોમાં અમદાવાદ‌ હેરિટેજ સિટીના દરજજા અંગેની અરજી વિધિવત્ મંજૂર કરાઇ હોઇ આગામી તા.૩૦ સપ્ટેમ્બરે યુનેસ્કોનું પ્રતિનિધિ મંડળ અમદાવાદ આવી રહ્યું છે. જેના કારણે સત્તાધીશો ‘હેરિટેજ વોક ઓફ અમદાવાદ’ના રસ્તાનો કાયાપલટ કરવાના છે.

૧૯૯૭થી કોર્પોરેશન દ્વારા ૧.૮ કિમી લાંબો ‘હેરિટેજ વોક ઓફ અમદાવાદ’ શરૂ કરાયો છે. કાળુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરથી દરરોજ સવારે ૭.૪પ વાગ્યે ગાઇડના માર્ગદર્શન હેઠળ દેશ-વિદેશના મુલાકાતીઓ શહેરમાં ‘હેરિટેજ વોક’ કરે છે.યુનેસ્કોના પ્રતિનિધિ મંડળ સપ્ટેમ્બરમાં થનારી અમદાવાદ મુલાકાતના પગલે લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન રંગરૂપ ધારણ કરશે.

સમગ્ર હેરિટેજ વોકના ૧.૮ કિમી લાંબા રસ્તાને નયનરમ્ય કરવા તંત્ર મ્યુનિ. તિજોરીને ખુલ્લી મૂકી દેશે. રસ્તા પર લાઇટિંગ, પેવિંગ, સાઇન બોર્ડના વિવિધ કામોથી ‘અપ ટુ ડેટ’ કરાશે. અત્યારે હેરિટેજ વોકના રસ્તા પર મ્યુનિ. તંત્ર દ્વારા રાત્રી સફાઇ કરાવવામાં આવતી નથી. જેના કારણે સવારની હેરિટેજ વોક દરમ્યાન દેશ-વિદેશના મુલાકાતીઓને ઠેરઠેર ‘કચરા’ના પણ દર્શન થાય છે! જેના કારણે શહેરની પ્રતિષ્ઠા ખરડાય છે. એટલે કોર્પોરેશન સમગ્ર હેરિટેજ વોકના રસ્તા પર દરરોજ રાત્રી સફાઇ પણ કરાવવાનું છે.

You might also like