દોઢ કરોડ પાણીમાં ગયાઃ હેરિટેજ સિટીનું સપનું ત્રણ વર્ષ પાછું ઠેલાયું

અમદાવાદ: અમદાવાદનું હેરિટેજ સિટી બનવાનું સપનું હાલ તો રોળાયું છે. સેપ્ટ દ્વારા હેરિટેજ સિટીના દાવા માટે યુનેસ્કોમાં રજૂ કરાયેલું ડોઝિયર અપૂરતી અને ભૂલ ભરેલી વિગતોવાળું હોઇ યુનેસ્કોએ પરત મોકલ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટે ‘સેપ્ટ’ને ચૂકવેલા દોઢ કરોડ રૂપિયા પાણીમાં ગયા છે. ‘સેપ્ટ’ના છબરડાંને શરમજનક સ્થિતિમાં મૂકવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન નવું ડોઝિયર ‘સેપ્ટ’ પાસે જ તૈયાર કરાવશે અને એ પણ તગડી રકમ ચૂકવીને !

આમ તો કોર્પોરેશનમાં છેક ૧૯૯૬માં હેરિટેજ વિભાગની સ્થાપના થઇ હતી અને ૧૮ એપ્રિલ, ર૦૧૦થી શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવાની દિશામાં કોર્પોરેશને કવાયત આરંભી હતી. જેના કારણે સમગ્ર દેશમાંથી દિલ્હી જેવાં ઐતિહાસિક શહેરના વર્લ્ડ હેરિટેજ સિટીના દાવાને નામંજૂર કરીને યુનેસ્કોને ફેબ્રુઆરી ર૦૧૬માં અમદાવાદના દાવાને સ્વીકૃતિ આપી હતી. આમ ભારત ભરમાંથી સર્વ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું યુનેસ્કોમાં નામાંકન મેળવનાર અમદાવાદ સર્વપ્રથમ શહેર બન્યું હતું.

શહેરના વર્લ્ડ હેરિટેજ સીટીના દાવાને ધ્યાનમાં રાખીને ગત તા.ર૮ સેપ્ટેમ્બર ર૦૧૬એ યુનેસ્કોના ત્રણ સભ્યો ધરાવતા ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળે શહેરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિ ધિમંડળ ચાર દિવસ શહેરમાં રોકાયું હતું અને પ્રતિનિધિ મંડળે નાગરિકો સાથે પણ સીધો સંવાદ કર્યો હતો.

જોકે શહેરના કોટ વિસ્તારની ભયમાં મુકાયેલી પોળોની સાંસ્કૃતિનો આંખે દેખ્યો અહેવાલ યુનેસ્કોની ટીમ લીધો હતો. ભદ્ર પ્લાઝા, રાજાનો હજીરો, રાણીનો હજીરો, સઘળા દરવાજા જેવાં ઐતિહાસિક સ્થાપત્ય દબાણગ્રસ્ત હોઇ તંત્રને રીતસર દબાણગ્રસ્તને કરગરીને યુનેસ્કોની ટીમની મુલાકાત પહેલાં ખસેડવા પડ્યા હતા. યુનેસ્કોની ટીમ દ્વારા આ પ્રકારનાં દબાણોની પણ ગંભીરતાથી નોંધ લેવાઇ હતી.

હવે યુનેસ્કોએ સઘળા ર૬૦૦ હેરિટેજ મકાનની વિસ્તૃત ડિઝાઇન સહિતનો સંપૂર્ણ વિગત કોર્પોરેશન પાસે માગી છે. જેને તૈયાર કરતાં જ ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગશે. યુનેસ્કોને જૂના અદમવાદનો લોકલ એરિયા પ્લાન પણ જોઇએ છે. રિવરફ્રન્ટ અને મેટ્રો રેલ જેવા આધુનિક પ્રોજેકટથી હેરિટેજ સિટી પર પડનારી અસરની પણ વિગતો યુનેસ્કોએ કોર્પોરેશન પાસેથી ઇચ્છી છે.

આ તમામ પ્રકારની વધારાની પ્રક્રિયા માટે ફરીથી મ્યુનિસિપલ તિજોરીમાંથી જે તે એજન્સીને લાખો રૂપિયા ચુકવાશે. જો કે આ વધારાની કામગીરી પણ સેપ્ટને સોંપાય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમ કે કોર્પોરેશનના ટોચનાં સૂત્રો કહે છે, ‘સેપ્ટ સિવાય અન્ય કોઇ એજન્સી આ કામને વધુ સારી રીતે કરી શકે તેમ નથી! ઉપરાંત સેપ્ટ પાસેથી એક હજાર પાનાંનું ડોઝિયરના ચાર ખંડ તૈયાર કરાવડાવ્યા હોઇ તેની પાસે શહેરના વર્લ્ડ હેરિટેજ સિટીના દાવા અંગે પૂરતો અભ્યાસ છે. એટલે અન્ય કોઇ વિકલ્પ પણ કોર્પોરેશન પાસે નથી!
http://sambhaavnews.com/

You might also like