સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હવે નાગરિકો માટે વોટર ATM મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ નાગરિકો માટે વોટર એટીએમની સુવિધા પૂરી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નં.ર પાસે સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ઇ-ટોઇલેટ મુકાયું છે. શહેરના પ્રથમ ઇ-ટોઇલેટનો નાગરિક રૂ.૧નો સિક્કો નાખીને ઉપયોગ કરી શકશે. આ ટોઇલેટમાં સેન્સર ધરાવતી પ૦૦ ‌િલટરની ટાંકી મુકાઇ હોઇ ટોઇલેટમાંથી બહાર નીકળ્યા બાદ તેની ઓટોમેટિક સફાઈ થઇ જશે. તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ફરતે કુલ ૧૮ ઇ-ટોઇલેટ મુકાશે.

હવે સત્તાવાળાઓ દ્વારા વોટર એટીએમનો પ્રોજેકટ પીપીપી ધોરણે હાથ ધરાશે. આ માટે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવાયા છે. આગામી તા.ર૬ જાન્યુઆરી, ર૦૧૯ના પ્રજાસત્તાક દિવસ પહેલાં અમદાવાદીઓને વોટર એટીએમની સુવિધા મળતી થઇ જાય તે માટેનું આયોજન કરાયું છે. તંત્ર દ્વારા પીપીપી ધોરણે હાથ ધરાનારા વોટર એટીએમથી લોકોને સાવ સસ્તા દરમાંં પીવાનું શુદ્ધ પાણી પૂરું પડાશે.

સત્તાધીશો દ્વારા લો ગાર્ડન સહિતના શહેરના મહત્ત્વના સ્થળોએ કુલ ર૦ વોટર એટીએમ મુકાશે તેમ આધારભૂત વર્તુળો વધુમાં જણાવે છે.

You might also like